દયારામ
Dayaram
મીરાં મન મોહનશું માન્યું;
વરિયા વરિયા શ્રીગિરિધરલાલ, જાણે જગ નથી કાંઈ છાનું. ટેક
જેમલ રાઠોડની દીકરી રે, સુણો મેડતા એનું ધામ;
રૂપ ગુણ કોઈ સમોવડ નહિ, રૂડું ધર્યું મીરાંબાઈ નામ. મીરાં...
જોશીએ વાંચી જનમોતરી રે, તેમાં લખ્યું નીકળ્યું એહ;
વરશે વિશ્વંભર નાથને રે, કરશે નંદકુંવરજીશું નેહ. મીરાં...
ઉદ્યોતપુરનો રાણો રાજિયો રે, તે સાથે કરી રે સગાઈ;
પરણાવીને વળાવ્યાં સાસરે કંઈ લૌકિક રીતે મીરાંબાઈ. મીરાં...
દેવીને દેવા વધામણાં રે ચાલ્યાં વરકન્યા સહુજન;
રાણે પારવતીજી પૂજિયાં રે, મીરાંનું તો મોહનમાં મન. મીરાં...
સાસુ કહે, 'સૌભાગ્ય વધે રે, વહુ નમો શક્તિને પાય.'
મીરાં કહે, 'મસ્તક મારું નહિ નમે વિના એક શ્રીગિરિધરરાય.' મીરાં...
સાસુ કહે, 'સામું બોલી, આજથી મારે નથી એ વહુનું કામ.'
પુત્રને કહ્યું : 'એહને રાખો પરી,એક ન્યારું રચાવો એનું ધામ.' મીરાં...
એવું સુણીને મીરાં મગ્ન થયાં રે, 'ભલું થયું ભાંગી જંજાળ;
સાધુની સંગે દિનરેણ નિર્ગમશું, સુખે સેવીશું, ગાઈશું ગોપાળ.' મીરાં...
નંદનંદન સાથે ન્યારાં રહ્યાં રે મીરાં, હરિજન આવે ઘણા ઘેર;
નિત્ય ભજન કથા કીરતન ઓચ્છવ, હરિને લડાવે, કરે લહેર. મીરાં...
નણંદ આવી મીરાંબાઈની પાસે : 'ભાભી, આ શો માંડ્યો ઉત્પાત?
સાસરે રાણાજીનું કુળ લજાવ્યું વહુ, મહિયેર લજાવ્યાં માતતાત. મીરાં...
અંબર આભ્રણ પહેરો અનુપમ, સજો સુંદર શણગાર;
મહેલે પધારો રાણાજી તણે રે, રમી રીઝવી લો ભરથાર. મીરાં...
છાપાંતિલક આ શી તુલસીની માળા, નાચો કૂદો વેરાગીને વેશ?
સંગ મૂકી દો સાધુ સંતનો રે, રાણોજી તો કરે સુણી કલેશ.' મીરાં...
મીરાં કહે રે, 'બાઈ ક્લેશ ટાળવાનો એક જ છે ઉપાય;
કહેજો રરાણાજીને સાધુને સેવે પ્રેમે, નૃત્ય કરીને હરિ ગાય. મીરાં...
વળી સોનું રૂપું પહેર્યે રે શું સુધર્યું રે? કાઢી નાંખો એ ડાકડમાળ;
છાપાં તિલક ધરી સાધુમાં બેસો, આ લો પહેરો તુલસીની માળ. મીરાં...
તમે પણ જાઓ શીદ સાસરે રે, બાઈ વૃથા વટાળો દેહ?
મનગમતા મોહનવર સાથે તમો સર્વ તજીને કરો સ્નેહ. મીરાં...
કહેજો તમારી માતને રે : વૃદ્ધ થયાં, ગોવિંદગુણ ગાય;
હરિ વિના કોટી દેવ સેવશો, તોયે જનમ મરણ નહિ જાય.' મીરાં...
સુણી એમ છણકતી ખીજતી રે બાળા આવી બંધવની પાસ;
'ઓ ભાઈ, ભાભી કહે છે થાઓ વેરાગી સહુ, મૂકી દો રાજઆવાસ.' મીરાં...
એવું સુણીને આવ્યો રોષ રાણાને, પ્રેષ્યો સેવક મીરાંને આવાસ;
'લાવો ખબર, છે શા રંગમાં, કોણ બેઠું છે એની પાસ?' મીરાં...
અનુચરે આવી એમ કહ્યું જે, 'નથી ત્રીજું માણસ આ વાર;
રાણીજી સાથે કોઈ પુરુષ બીજો છે, ઘરમાં થઈ રહી છે થૈથૈકાર' મીરાં...
સુણતામાં રાણો થયો રાતડો રે, ખેંચી ખડગ ધાયો તેણી વાર;
પેઠો મીરાંને મહેલે એકલો રે, કોઈ આવે ના, ધાઈ દીધાં દ્વાર. મીરાં...
આવી જોયું તો મીરાં એકલી રે, પ્રભુએ તેને ના દીધું દર્શન;
પૂછ્યું મીરાંને, 'પેલો પુરુષ ક્યાં છે, તારે લાગ્યું છે જે શું લગન?' મીરાં...
'કાઢી નાંખોજી આ ક્લેશ કપટ, સંગે નિર્મળ કરો મન,
પ્રેમભક્તિએ પરબ્રહ્મ ભજો તો તમને થાય તેનાં દર્શન.' મીરાં...
એવું સુણીને આગ લાગી ઘણી રે, પણ ભાવ ન આવ્યો ભૂપ;
ક્રોધ કરીને શસ્ત્ર વાપરે એવે, દીઠાં મીરાંનાં બે રૂપ. મીરાં...
તોયે મૂરખ સમજ્યો નહિ રે, મન સાથે ન કીધો વિચાર;
બીજું ખડગ એણે ખેંચિયું રે, ત્યારે હરિએ દેખાડી મીરાં ચાર. મીરાં...
છોભો પડ્યો, પાછો ફર્યો રે, રાણો આવ્યો પિતાને ઘેર;
વિષનો પ્યાલો મીરાંને મોકલ્યો, પીજો કહાવ્યું રાણાએ આણા ઝેર. મીરાં...
લીધો મીરાંએ મન મગ્ન થઈને રે પ્રભુને દેખાડી કર્યું વિષપાન;
અમૃત સરીખું થઈ ગયું રે, એને સમરથ ધણી ભગવાન. મીરાં...
મીરાંબાઈ ગયાં વૃંદાવનમાં રે પ્રેમે નીરખ્યા શ્રીવ્રજરાય;
શ્રીજમુનાપયપાન કર્યું ને કરી જીવા ગોંસાઈને શિક્ષાય. મીરાં...
હરિજન જાણી મીરાં મળવાનું કહાવ્યું, તેણે કહાવ્યું, 'ના જોઉં સ્ત્રીનું મુખ.'
મીરાં કહે, 'સારું થયું સવારું, મુજને પરપુરુષ જોયેથી દુઃખ. મીરાં...
આજ લગી હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક;
વૃંદાવન વસી હજી પુરુષ રહ્યા છો તેમાં ધન્ય તમારો વિવેક.' મીરાં...
એવું સુણીને જ્ઞાન પામિયા રે, જીવા ગોસાંઈ મળ્યા છે સામા ધાઈ;
હળીમળીને હરિની વાત કરીને આવ્યાં મેવાડ દેશ મીરાંબાઈ. મીરાં...
કરી તૈયારી ચાલ્યાં દ્વારિકા રે, પ્રેમે નીરખ્યા શ્રીરણછોડ;
વાસ પૂરીને પ્રભુજી પાસે રહ્યાં સદા, પહોંચ્યા છે મનના કોડ. મીરાં...
પાછળ પસ્તાવો રાણાને થયો રે, ગયું ઊતરી મનનું ઝેર,
'મુખ માગે તે આપું તેહને જે કોઈ લાવે મનાવી મીરાં ઘેર.' મીરાં...
ઉપરાઉપરી તેડાં મોકલ્યાં રે, આવીને લાગ્યા સહુ પાય;
‘માજી, પધારો મેવાડમાં વહેલાં, રાણાજી તો અન્ન ન ખાય. મીરાં...
જ્હાં રે લગી તમો રહેશો દ્વારિકા રે, ત્યાં લગી કરું ઉપવાસ.'
આગ્રહ દેખી મીરાં વિદાય માગવાને આવ્યાં શ્રી પ્રભુજીની પાસ. મીરાં...
હરિએ હકીક્ત સાંભળીને રે, ચાંપી હૃદયા સાથ;
શ્રીકૃષ્ણસ્વરૂપમાં સમાઈ ગયાં રે મીરાં જેને શ્રીદ્વારિકાનાથ. મીરાં...
ચરિત્ર એ મીરાંબાઈનું રે જે કો શીખે, સાંભળે ને ગાય;
પ્રેમભક્તિ તેને મળે ને ત્રૂઠે દયાનો પ્રીતમ વ્રજરાય. મીરાં...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
