વહાણ ખેડો તમે
Vahan khedo tame
સુંદરદાસ
Sundardas
સુંદરદાસ
Sundardas
જી રે વીરા! વહાણ ખેડો તમે વડા વેપારી
રખે મૂળગી મૂડી જાઓ હારી,
પેઢી તણા સાહેબો લેખા માંગશે
તેને જવાબ દેજો વિચારી.
ઊંડાં ઊંડાં સાયર બંબજલ ભરિયાં, તેમાં મચ્છ વસે બહુ મોટા,
વહાણને વીરા રખે ખરાબે ચડાવો, માલમ થશે સર્વ ખોટા.
જી રે વીરા! વહાણ ખેડો તમે...
જૂને જૂને મારગ જહાજ ચલાવો, ચોરી થકી મત ચાલો,
આગળ દાણી દાણ જ માગે, જવાબ દઈ ઝટ હાલો.
જી રે વીરા! વહાણ ખેડો તમે...
કેના કેના બેડલા પેલે તડ પહોંચ્યા, વણજું કરી ઘેર વળિયા,
મરજીવા હોઈ મહાસમુદ્રમાં પેઠા, હીરા વહોરી વ્હાણ ભરિયા.
જી રે વીરા! વહાણ ખેડો તમે...
આ રે કિનારે અનેક નર ઊભા, વિશ્વાસુ તેમાં તરીઆ,
ગુરુને પ્રતાપે ‘સુંદરદાસ' બોલ્યા, મારા ભાઈલાના ભાવ ફરીઆ.
જી રે વીરા! વહાણ ખેડો તમે...
સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ - જાન્યુઆરી (પૃષ્ઠ ક્રમાંક 19)
- વર્ષ : 2013
