
હદ એ તો દેહ છે, આત્મા બેહદ કહીએ રે,
વિરલા કોક જાણે રે, જેને ગુરુગમ છે હૈયે.
પચ્ચીસ પવન આ દેહીમાં કહીએ, પણ સોહંમ પવન પ્રગટ હોઈ,
તે પવન નાભિએથી લઈ, શૂનમાં ચડે યોગી કોઈ.
સોહંમને લઈને રે શૂનમાં, મહાશૂન પાર પડે,
સાત સમુદ્ર આ દેહમાં કહીએ, નવસેં નવાણું નદિયું કહેવાઈ.
એક લાખ ને એંસી હજાર ચોકીદાર, કહીએ ચોસઠ ખડકી આ દેહ માંઈ,
બાર ઉમરાવ માંહી ખેલે રે, મેં નખશિખ લગી જોયું નીરખી.
ત્રિવેણીમાં નવરંગ નોબત વાગે, શૂન્યમાં ઝાલરીનો ઝણકાર.
ગગન મંડલમાં આપ બિરાજે, અલખ પુરુષ સરદાર.
ગાદી તેની ત્યાં છે રે, પહોંચે કોઈ પૂરા મુનિ,
સાડી ત્રણ ક્રોડ રોમરાય, લાગી રહી વનરાઈ.
તેને કોઈ નીરખીને જુવો, જેને મળિયા નિરંજનરાય,
નગર જેણે જોયું રે તેને, આ તો ખબર પડી.
તે કૂંચી મેં કહી બતાવી, ઊલટી નગરની રીત,
ગુરુગમથી મને લગની લાગી, નીરખીને થયો છું ભયભીત.
‘જયરામદાસ’ કહે છે રે, તે પળમાં પાર પડે.



સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 210)
- સંપાદક : રામજી હીરસાગર
- પ્રકાશક : રામજી હીરસાગર