ઉત્તર ૧
uttar 1
જૂઠીબાઈ
Juthibaai

કહું સમજાવી રે સુણો, એક ચિત્તે કરી.
મારું મન માન્યું રે, પહોંચી પરા પાર ખરી,
મિથ્યા જગત તેને પ્રપંચ કહીએ, રહ્યા તેમાં વિલસાઈ.
સ્થૂળ સૂક્ષ્મ કારણ છે રે, જેમાં તેમાં રહ્યો લોભાઈ,
નામ-રૂપ ઉપાધિ રે, યથારથ તુજને કહું.
વિષયા શક્તિ તેને નરક કહીએ, મોક્ષ માર્ગ સ્વર્ગ કહેવાઈ,
કર્મ અકર્મ આધીન થઈને, પાપ પુન્યને ખાય.
ભક્તિ નવ કરે તો જન્મે ને પોતે મરે,
અજ્ઞાન અવિદ્યાથી આભાસ પડ્યા, જીવ તેને કહેવાય.
વિદ્યા અવિદ્યાથી પાર છે, લિયો દિયો નવ જાય,
ઈશ્વર તેને કહીએ, ઉપાધિ જેને નવ રહે.
પંચભૂતમાં આ દેહ કહીએ, તેને નામ કહેવાઈ,
દૃષ્ટિ પદાર્થ જેહ છે રે, તે રૂપમાં નામ કહેવાઈ.
સમજે કોઈ શૂરા રે, ઉપાધિ આપણે તેને કહીએ,
આ વિશ્વનો જ્યારે પ્રલય થાય છે, ત્યારે કાળ પ્રલય કહેવાઈ.
છસો એકવીસ હજાર શ્વાસ, તેને ભક્ષ કરી જાય,
'જયરામદાસ' કહે છે રે, જીવ શિવ કહેવા નવ રહે.



સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 209)
- સંપાદક : રામજી હીરસાગર
- પ્રકાશક : રામજી હીરસાગર