uthone dhunidhar - Bhajan | RekhtaGujarati

ઊઠોને ધૂનીધર

uthone dhunidhar

કતીબ શાહ કતીબ શાહ
ઊઠોને ધૂનીધર
કતીબ શાહ

ઊઠોને ધૂનીધર ભજન કરી કરી છૂટો,

માલદે! વસમો ઘણો મારગડો,

સાધુને ઘેર આપણ ચોરી નવ કરીએ,

એની વસ્તુ માગી માગી લઈએ રે... ઊઠોને.

મનમાં મેલ, કમરમાં છે કાતી,

કાતી કાઢી નાખો તો આપણ મળીએ રે... ઊઠોને.

સોના કેરા મહેલ, રૂપા કેરા ધ્રાબા,

એને ઝાંખરની વાડું નવ કરીએ રે... ઊઠોને.

બાર બાર મેઘ એકધારા વરસે,

આવાં અણગળ નીર નવ પીએ રે... ઊઠોને.

તન હૂંદાં તાળાં, અકલ હૂંદી કૂચી,

એને ઢાબર ઢાંકણાં દઈએ રે... ઊઠોને.

ડહોળાં તે જળનો માલા! સંગ નવ કરીએ,

નિર્મળા નીરે નિત નાહીએ રે... ઊઠોને.

કહે રે ‘કતીબ શાહ' સુણ બે રાહોળ માલા,

આપણો ગુરુજી તારે, તો આપણ તરીએ રે... ઊઠોને.

સ્રોત

  • પુસ્તક : આપણી લોકસંસ્કૃતિ (પૃષ્ઠ ક્રમાંક 193)
  • સર્જક : જયમલ્લ પરમાર
  • આવૃત્તિ : 1