undh tane kem aawe - Bhajan | RekhtaGujarati

ઊંધ તને કેમ આવે

undh tane kem aawe

ઋષિરાજ ઋષિરાજ
ઊંધ તને કેમ આવે
ઋષિરાજ

માથે કોપી રહ્યો છે કાળ રે, ઊંઘ તને કેમ આવે,

પાણી પહેલાં બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે.

નથી એકે ઘડીનો નિરધાર રે, ઊંઘ તને કેમ આવે,

તો સપના જેવો સંસાર રે, ઊંઘ તને કેમ આવે.

અલ્યા એળે ખોયો અવતાર રે, ઊંઘ તને કેમ આવે,

તારા માથે છે જમનો માર રે, ઊંઘ તને કેમ આવે.

તારા મનનું ધાર્યું થશે ધૂળ રે, ઊંઘ તને કેમ આવે,

ચાર તોલાં છે મણમાં ભૂલે રે, ઊંઘ તને કેમ આવે.

કરી આવ્યો છે ગર્ભમાં કોલ રે, ઊંઘ તને કેમ આવે,

થોલ આવેલું થાય છે કથોલ રે, ઊંઘ તને કેમ આવે.

જોતાં જોતાં આયુષ ખૂટી જાય રે, ઊંઘ તને કેમ આવે,

તારા ડહાપણમાં લાગી લાય રે, ઊંઘ તને કેમ આવે.

કાંઠે આવેલું બૂડશે જહાજ રે, ઊંઘ તને કેમ આવે,

તારે કાજે કહે છે ‘ઋષિરાજ’ રે, ઊંઘ તને કેમ આવે.

સ્રોત

  • પુસ્તક : પારસમણિ ભજન સંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • પ્રકાશક : બુકસેલર લલ્લુભાઈ અમૂલખદાસ, માણેક ચોક, અમદાવાદ
  • વર્ષ : 1918
  • આવૃત્તિ : 4