સુંદર નાથ રે સોહામણો
Sundar nath re sohamno
રૂપાંબાઈ
Rupabai
રૂપાંબાઈ
Rupabai
સુંદર નાથ રે સોહામણો, રાણી રૂકમિણીજીનો લાલજી;
વ્રજમંડળનો રાજીયો, પા વ્રજજુવતીનો વહાલોજી.
શ્રીગોકુલનાથને નીરખતાં, નયણાં તે તૃપ્ત ન થાયજી;
નીરખતાં પાછાં ફરે નહીં, ચરણકમલે લોભાયજી.
મકરંદે મોહ્યા મધુકર નયણાં એમ અપારજી;
વહાલાજીનું વદન અવિલોકતાં, એ સુખનો કેમે ન આવે પારજી.
બેઠક માંહે ઓછારિયાં, નીમો સોહે અતિ લાલજી;
હસી હસી પૂછે વાતડી, મધુરે તે વચન રસાલજી.
કેશર તિલક સોહામણું, ઉર પર લટકે ગુંજાહારજી;
વૈષ્ણવ સર્વે વીંટી રહ્યાં શોભા તણો નહીં પારજી.
સેવક સહિત બિરાજજો, શ્રીગોકુલ નિત્ય વિહારજી;
રૂપાંબાઈ ચરણે રહ્યાં, વહાલો છે પરમ ઉદારજી.
સ્રોત
- પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 306)
- સંપાદક : પૂનમચંદ સાં. દોશી
- વર્ષ : 1961
