પૂરીબાઈ
Puribai
કડવું-૧ લું – રાગ ધોળ
સતી સીતાને ચરણે લાગુંજી, નિર્મળ વાણીને શુદ્ધ બુદ્ધ માગુંજી.
ઢાળ
માંગું છું રે શુદ્ધ બુધ્ધ મનોહર, સ્વામી સારંગપાણ;
ગુણ વરણવું રે હું તાહરા, મને આપ અવિચળ વાણ.
સિવરા-મંડપ રચ્યો જ્યારે ને, તેડાવ્યા ભૂપ;
ઋષી સાથે રાઘવ આવ્યા એનું, મહા મનોહર રૂપ.
પાતાળનારે પન્નગ તેડ્યા ને, આવ્યા ગગન મુની દેવ;
રાવણ કહે હું ધનુષ ભાંગું ને, કન્યા વરું તતખેવ.
સતિ જાનકિયે સામું જોયું ને, દીઠા મહારાજ;
સ્વામિ ભવોભવ હું પદસેવક, કેમ વિસારી આજ.
સતી તે કેરાં વચન સુણીને, હસ્યા શ્રી રઘુવીર;
ક્ષણમાં રે વરું હું જાનકી, તું રાખ મનમાં ધીર.
કર જોડી પૂરી ભણે, જેનો અમરાપુરીમાં વાસ;
સ્વામિ સૌ સંતની દાસ છું, રઘુનાથ રાખો પાસ.
કડવું ૨ જું – ઢાળ
રતનાળિ સિતાજીએ વેણ વછોડી, શેષ નાગ સળકી રહ્યા કર જોડી;
મુખની છબી અતિ બુદ્ધિ શોઇયેજિમાંહી, રોહણી પતિ દરશને આવ્યા બાઈ.
નાસિકા શુકચંચુ અધરરસ શોહે, દંત દેખિને માનવીનાં મન મોહે;
શણગાર સજે રાજા જનકકુંવારી, તેની શોભા બની ત્રણ લોકથી ન્યારી.
કર કોમળ ને રાતા કુમકુમ જેવા, ચુડલો રતનાળો બાજુબંધ તેવા;
કોદંડને ભાગતાં હાથ ચંપાણા, મોટા ભૂપતિ માંય પડ્યા ખશિયાણા.
સ્વામિ આજ તમે મને કેમ રે વિસારી, જુગજુગ માંહી હું તો હતી રે તમારી;
ત્યાં તો ધનુષ ભાગીને સાતે ખંડ કર્યા રે, પછી જનકની કુંવારીને રામ વર્યા રે.
ત્યારે ચૌદ લોક માંહી ચાલી વધાઈ, કર જોડીને એમ કહે પુરીબાઈ.
કડવું ૩ જું - ઢાળ
જાન લઈ આવ્યા રે દશરથરાય, હસ્તી ઘોડા બહુ કહ્યા નવ જાય;
કાળા કાબરા ને રાતા રે ઘણા, સુંદર તે મહારાજા રે તણા.
લીલા પીળા ને ધોળા જેહ, ઘોડા પાખરિયા પલાણ્યા તેહ;
રથ સુખપાલોની રચનારે ઘણી, જાન વખાણું રે રાઘવતણી.
ભારે શેષ પાતાળે ગયો, રજે સૂરજ ઝાંખો રે થયો;
ભેર ભૂંગળ બહુ નાદ જ થાય, જાનની શોભા કહી નવ જાય.
ક્ષણમાં પહોંચ્યાં રે દશરથરાય, સામૈયે રાજા જનકજી જાય;
ભેટવા વેવાઈને મળિયાં મન, રાજા જનક કહે દિવસ ધનધન.
એલચીએ વાશ્યાં રે જળ આણી, ખાંડ ઘોળીને પાયાં રે પાણી;
જાન જોઈને રાજા જનકજી હસ્યા, એ આગળ આપણ રાજા રે કશ્યા.
ચંદનના ઓરડાને ઉઘાડ્યા, દશરથ રાયને ત્યાં રે ઉતારયા;
પાલખડી મેલો રે પરશાળ, જોતાં સામી દીસે રે રસાળ.
જાનરડીઓની રે જુક્તિ જ ઘણી, પાથરણાં રે આપ્યાં પાથરી;
ઘોડાની રે ઘોડારો ઘણી, વળી વિધકરી રૂડી માફાતણી.
આવી જનકજી બોલ્યા વાયકા, કલુઓ લઈ ચાલો નાયકા;
નાગરી સઉ મળી નારી જેહ, કલુવો લઈને ચાલી તેહ.
ગાતી ને વાતી જાનીવાસે જાય, ઘણું સંતોષ્યા રે રાધવરાય;
કૌશલ્યા બાઇયે રે દીધાં માન, સઉકોને આપ્યાં ફોફળ પાન.
જનક રાજાની જે વહુ દીકરી, તેને તે ફોફળ આપ્યાં ફરી;
માતા તે નયણે અંજન કરે, કંકુ ચંદન રઘુપતિને ધરે.
માતા તે મનમાં એવું ભણે, રખે કુંવર કોની દ્રષ્ટ પડે;
ભરત શત્રુઘન લક્ષ્મણ ધીર, વર પાસે બેઠા ત્રણ વીર.
માતાજી ચિંતા ન કરશો તમો, રક્ષા કરીશું રે રાઘવ અમો;
એ તો કહિયે રે કારણ રૂપ, સૂરજવંશમાં મોટો ભૂપ.
ધનુષ તો એણે ભાંગિયું, ઘણા અસુરનું કુળ લાજિયું;
તોરણે ને છજે નાચે મોર, મંડપમાં દીસે ઘનઘોર.
મંડપમાં રે ઊભાં મહામતી, તેણે નવરાવ્યાં મહાસતી;
ગોત્રજ આગળ બેઠાં સીત, રાઘવજી શું પૂરણ પ્રીત.
ગોત્રજ માંય જિયાવર આવિયા, હૃદે કમળમાં તે ભાવિયા;
દશરથનાં દદામાં ગડગડયાં, રઘુનંદન વરઘોડે ચડ્યા.
કરજોડીને કહે પૂરબાઈ, લગન સાધવાની વેળા થઈ.
કડવું ૪ થું – ઢાળ
ચંચળ અશ્વ ચઢ્યા રઘુનંદન, ઢોલ દદામાં ગાજેજી;
સીતાનો વર શોભે તોરણ, જોઈ કોટી કામ લાજેજી.
કટિ કોમળ ત્યાં મેખલા સોહિયે, પાયે નેપૂર વાજેજી;
બાંહે બાજુબંધ બાંધ્યા છે, કોટે કૌસ્તુભમણિ છાજેજી.
જાનરડી વરની માડી સંગાતે, ગીત મધુરાં ગાયેજી;
સાસુ પ્રેમે પનોતી ધાઈ, વરને પોંખવા જાયેજી.
કડવું ૫ મું – ઢાળ
નાક સાહીને નિરખ્યા અંતરજામી, મારી લાડકવાઈ રૂડો વર પામી;
એની ચોરીએ ચોતરફ હીરની દોરી, રાજા જનક કહે સીતા રામથી ગોરી.
ત્યારે મધુરી શી વાણી કૌશલ્યા બોલે, ત્રિલોકમાં નહિ મારા રામને તોલે;
સીતા પેહેલું મંગળ વરત્યું રઘુરાય, ત્યાં તો મુદ્રિકા કેરાં દાન અપાય.
સીતા બીજું મંગળ વરત્યું રઘુરાય, ત્યાં તો મુદ્રિકા કેરાં દાન અપાય.
સીતા ત્રીજા મંગળ રામની સાથ કીધાં, ત્યારે જનકરાયે મહાદાન દીધાં.
સીતા ચોથું મંગળ વરત્યું રઘુરાય, ત્યાં તો કન્યા કેરાં દાન અપાય;
ત્યાં બરાનપુરની બાજોઠી મંગાવો, ત્યાં વીસલનગરની થાળી અણાવો.
ત્યાં ડુંગરપુરની ઝારીને આણી, કંસાર પીરસે રાજા જનકની રાણી.
કંસાર પીરસ્યો તે રૂડી રે રીતે, સીતા રામ જમ્યાં તે પૂરણ પ્રીતે.
ત્યાં પાન સોપારીની છાબ જ છોડી, સીતા રામ રહ્યાં છે બેઉ કર જોડી;
કરજોડી પૂરી કહે જે જે રે કીજે, ત્યાં કન્યા સજોડાનાં ભામણાં લીજે.
કડવું ૬ ઠ્ઠું – ઢાળ
ઉત્તમ જળ ઉષ્ણોદક મેલ્યાં તે, જાનને નાવણ કીજેજી;
પાટ પિરોજાને સોના આડણિયો તે, જાનને આસન દીજેજી.
વીસલનગરની થાળિયો અણાવો ને, ડુંગરપુરની ઝારીજી;
વાટકડા વીજાપુરી મેલે તો, સુવરણ લોટા શુભકારીજી.
કાઠા ઘઉંની લાપશી પિરસો તો, માંહે માળવિયો ગોળજી;
ઘી તો ગવરી ગાયનાં પિરસો ને, દહી દૂધ કેરી છોળજી.
શાક તો સૂરણનાં પિરસો તો, રાઇતાનો નહીં પારજી;
દાળ ચંપાના છોડશિ પિરસો ને, વિધ વિધ માંહી વઘારજી.
શેવ સુંવાળી સુંદર પિરસો ને; પાપડ પૂનમ ચાંદજી;
ભાત કમોદતણો પિરસો તો, ખોબલે પીરસો ખાંડજી.
ભોજન રૂડા ભાવથી કીધાં, સંતોકિ સર્વે જાનજી;
શુદ્ધાચમન લેઈ બાર પધાર્યાં ને, આપ્યાં ફોફળ પાનજી.
પેરામણીનો સમય થયો છે, માગી લ્યો જે જોઈએજી;
દશરથરાયને સોનાનું ટીલું તો, રઘુનંદનને જનોઇયેજી.
પાંચે વસ્ત્ર આપ્યાં રઘુનંદને, રંગ કસુંબે બોળીજી;
ઘરશાડી ઘરચોળાં અણાવો ને, પાટણની પટોળીજી.
જાનરડીને ઝુલતી સાડી ને, માંડવે આવિને પેરેજી;
ઝાલ ઝુમણા ને નાકે વેસર, સીતાબાઇ કેરેજી.
સીતાબાઈ સાસરે ચાલ્યાં ને, દાદાના દેશ મુક્યાજી;
સીતા વિના તો સૂનું લાગે ને, તુલસીના ક્યારા સુક્યાજી.
પાછું વાળી જુવે સીતા પનોતા ને, દાદાને આશિષ દેયજી;
ઘણું જીવજો દાદાજી મોરા ને, રાજ અવિચળ રહેયજી.
ઘણું જીવજો વીરજી મોરા ને, ભાભીના નવરંગ ધારજી;
સીતાબાઈને પાસે બોલાવીને, કહે છે પોતાની માતજી.
ગદગદ કંઠે થયા જનકજી ને, આંસુડાં ઢોળે માયજી;
મારી સીતાને તમો સુખ દેજો ને, ચૌદ ભુવનના રાયજી.
લાડકી સીતા કહ્યું કરજે તું, લાજ વધારજે તારીજી;
રમકડાં રળિયામણાં આલ્યાં ને, દીધી શિખામણ સારીજી.
સીતાબાઈ સહિયારોને મળીને, પછી સાસરિયે જાયજી;
‘પુરીબાઈ’ કહે છે કડવાં તે, પ્રીતે પૂરણ થાયજી.
ગાય શીખે ને સાંભળે તેનો વૈકુંઠ થાયે વાસજી;
અડસઠ તીરથનું ફળ મળશે, પાપ થશે સો નાશજી.
સ્રોત
- પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 851)
- સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ
- પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
- વર્ષ : 1925
