Shreekrishna ni ghodi - Bhajan | RekhtaGujarati

શ્રી કૃષ્ણની ઘોડી

Shreekrishna ni ghodi

કૃષ્ણાબાઈ કૃષ્ણાબાઈ
શ્રી કૃષ્ણની ઘોડી
કૃષ્ણાબાઈ

ગોવિંદગુણ ગાઉં સદા, ને ગરવા ગુણ ભંડાર;

દેવકીકુંવર દયા કરો, રહ્યા નંદજશોદાને દ્વાર;

શ્રી કૃષ્ણની ઘોડલી.

સોળ સત સંગે રમ્યા, ને સામળીઓ સુખખાણ;

ભીમકતનયા રૂકિમણી, તેને વરવા કરો રે પલાણ; શ્રી૦

બાપે બહુ દળ મેળવ્યાં, ને ભ્રાત કરે છે ભંગ;

ત્ર્યંબક ધનુષ્ય ભાંજીયું, મારો કરવા જનક ઘેર સંગ; શ્રી૦

રૂકમૈયે શિશુપાળ વર્યો, ને ભીમક મેળ્યા ભૂપ;

રૂકિમણી કાગળ મોકલે, વહેલા આવજો બ્રહ્મસ્વરૂપ; શ્રી૦

લાલ રેશમના વાવટા, ને નવરંગી નિશાન;

પંચ શબ્દ સોહામણા, ઘોડે ચઢીયા તે કુંવર કાન્હ; શ્રી૦

ચંદન છાંટ્યાં ચોકમાં, ને ટોડે નાગરવેલ;

પીળા પતાકા જળહળે, પીળાં તિલક કર્યા રે કપોળ; શ્રી૦

હાથે કલ્લી સાંકળાં, ને વેઢ ને વીંટી સંગ;

નાનડીઆને નવગરાં, દુગદુગીમાં જડીયાં નંગ; શ્રી૦

મોડ બાંધ્યો માતા દેવકી, ને નામણદીવો હાથ;

સાડી જરકસની ભલી, ઉપર ઓઢ્યા નવરંગ ઘાટ; શ્રી૦

સાંબેલા સહુ શોભતા, ને પાલખીનો નહીં પાર;

રથે તે રાણી દેવકી, છે વસુદેવ તણી ઘરના૨; શ્રી૦

પાન સમારે પદ્મિનિ, ને ટપકું કીધું ગાલ;

આંખે અંજન સારિયાં, પહેર્યા કેશરી વાઘા લાલ; શ્રી૦

મખીઆરે માણક જડ્યાં, ને ઘોડે ઘુઘરમાળ;

પગ દઇને પલાણીયા, જાન ચાલી તે જાદવરાય: શ્રી૦

વીંજણલો સિર પર ઢળે, ને ચમર ઢળે ચોપાસ;

છત્ર સોનાનું શોભતું, એવા શ્રી ત્રિભુવનપતિ સ્વાર: શ્રી૦

ઘરૂણી આદિતની ભલી, ને રાંદલ માંડ્યા જાગ;

વિઠ્ઠલ વર ઘોડે ચઢ્યા, ત્યાં તો શેરી શોભંતાં હાટઃ શ્રી૦

વૈદર્ભ નગરીમાં આવિયા, ને ભીમકને થઈ જાણ;

સામો શિશુપાળ સજ થયો, રૂકમૈયાએ બાંધ્યા પાણ: શ્રી૦

ગોવિંદ ઘોડી ગાઈશું, ને ભવનાં પાતક જાય;

‘કૃષ્ણાબાઈ’ ચરણે નમું, હું તો છું તમારડી દાસઃ શ્રી૦

સ્રોત

  • પુસ્તક : નવીન કાવ્ય દોહન (પૃષ્ઠ ક્રમાંક 363)
  • સંપાદક : હરિલાલ હ. મુનશી