રતનીબાઈ
Ratnibai
શ્રીજી મારી વિનતી રે, તમો સાંભળો સારંગપાણિ રે
સંકટ તમને શું કહું વા'લા, તમથી દુઃખડાં નથી અજાણી રે
શ્રીજી મારી વિનતી રે...
દાસીને દુ:ખ દોહ્યલાં, તે કેમ સહો છો મહારાજ રે
વિલંબ ન કીજે વિઠ્ઠલા, હવે ગઈ સેવકની લાજ રે
શ્રીજી મારી વિનતી રે...
અમો હળવાં પડ્યાં દામોદરા, તો ગુણ તારા કોણ ગાશે રે?
બરદ ન પાળો ભુદરા તો, હવે અમથી કેમ જિવાશે રે?
શ્રીજી મારી વિનતી રે...
સેજ સેન કરો શામળા, તમો ભોગળ ભાગો આજ રે
હાર આપો હરિદાસને, જેથી જાય મંડલિકની લાજ રે
શ્રીજી મારી વિનતી રે...
અમ વિના તમે એકલા, સ્વામી શો કરશો વિલાસ રે
પરસ્પરની પ્રીત્યું કાનજી, અમને તમારી આસ રે
શ્રીજી મારી વિનતી રે...
સ્વામી શું નથી જાણતા? મન ઊતારોને રીસ રે
અપરાધ અમારો ક્ષમા કરો, નામે 'રતનીબાઈ' શીશ રે
શ્રીજી મારી વિનતી રે...
હું અબળા તમને નમું, અમને કરો પસાય રે
નરસૈયાને ઉગારશો વાલા, તો શોભશો વૈકુંઠરાય રે
શ્રીજી મારી વિનતી રે...
‘રતનીબાઈ’ની વિનતી સાંભળી રે, સાંભળી દામોદર રાય રે
આસનથી હરિ ઊઠિયાને, દાસીને ચાંપી રુદિયા માંય રે
શ્રીજી મારી વિનતી રે...
સ્રોત
- પુસ્તક : હરિજન લોક કવિઓ અને તેમનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 22)
- સંપાદક : દલપત શ્રીમાળી
- પ્રકાશક : માહિતી ખાતું
- વર્ષ : 1970
