Shivara mandapma maro sadguru betho - Bhajan | RekhtaGujarati

શિવરા મંડપમાં મારો સદ્‌ગુરુ બેઠા

Shivara mandapma maro sadguru betho

શીલદાસ શીલદાસ
શિવરા મંડપમાં મારો સદ્‌ગુરુ બેઠા
શીલદાસ

જી રે સંતો, શિવરા મંડપમાં મારો સદ્‌ગુરુ બેઠા જી,

તમે આવોને મુનિવર મળીએ હાં,

મન કર્મ વચને માન તો મેલીને જી,

આપણે ગત્ય તો ગંગામાં ભળીએ હાં.

જી રે સંતો, કલંકી નામ તે આપે સતગુરુજીનું જી,

તો અગમ તણી ગત આપે હાં,

કૃપા કરો તો કરીને કોટિ જનમના જી,

એવા કર્મ બંધનને કાપે હાં.

જીરે સંતો, શિવરા મંડપના ચરણામૃતનો જી,

એનો મહિમા માહેશ્વર જાણે હાં,

પ્રીતિ કરીને પૂછે પારવતી જી,

તો વારે વારે શિવજી વખાણે હાં.

જી રે સંતો, સાત મુક્તિનો મારગ તે મોટાં જાણો જી,

તો સત રે ધર્મના શૂરા હાં,

જી રે સંતો, ઓળખિયા તે તો અનભેપદ આપે જી,

તો પરમારથ પૂરા હાં.

જી રે સંતો, સાત સાયર ને અડસઠ તીરથ જી,

એક ધરમ બરાબર આવે હાં,

સતી રે ઉમાજી શિવજીને પૂછે જી,

એવું અચરજ અમોને આવે હાં.

જી રે સંતો, અન તો દાતાને અન તો ભુગતા જી,

એવા અવ તો અલખને આરાધે હાં,

‘શીલદાસ’ કહે છે શિવરા મંડપનો જી,

એવો લક્ષાં અલખનો લાધ્યો.

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 135)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
  • વર્ષ : 1925