sharnagati - Bhajan | RekhtaGujarati

શરણાગતિ

sharnagati

અમરબાઈ અમરબાઈ
શરણાગતિ
અમરબાઈ

બાવાજી, તમારાં હશે તે તમને ભજશે

એને આંચ નૈ આવે લગાર

એ પરબુંના પીર !

બાંહોડલી ઝાલ્યાની ખાવંદ લાજ છે.

બાવાજી, નવસો નવાણું ચીર પૂરિયાં

ધ્રુપતી દાસી તમારી કરી જાણો !

પરબુંના પીર — બાંહોડલી૦

પ્રેહલાદ કારણ તમે પ્રગટિયા.

હરણાકંસનો કર્યો રે સંહાર

પરબુંના પીર.— બાંહોડલી૦

સૂઈને રિયાં શું સુખપાલમાં?

તમે જાણી ન જોયું લગાર

પરબુંના પીર — બાંહોડલી૦

કાળિંગો આવ્યો અતપાતનો.

રખે લોપે અમારી લાજ

પરબુંના પીર. — બાંહોડલી૦

ઝટક દઈને ચડજો ઘોડલે,

શેલી શીંગી પીર શાદલને હાથ

પરબુંના પીર — બાંહોડલી૦

ઘોડે ઘોડે શંખ વાગશે,

તમારાં ઝબક્યાં લીલુડાં નિશાન

પરબુંના પીર. — બાંહોડલી૦

ગરવા દેવાંગી પરતાપે અમર બોલિયાં

તારા સેવકુંને ચરણુંમાં રાખ

પરબુંના પીર. — બાંહોડલી૦

સ્રોત

  • પુસ્તક : પુરાતન જ્યોત (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સર્જક : ઝવેરચંદ મેઘાણી
  • પ્રકાશક : પ્રસાર, ભાવનગર
  • વર્ષ : 1962