શાને માટે શોચ કરે છે?
Shane mate shoch kare che?
સુંદરજી
Sundarji
સુંદરજી
Sundarji
શાને માટે શોચ કરે છે? પ્રભુ કરશે તેમ જ થાશે;
ધારેલ મનના મનસૂબા તે, સરવે ફોગટમાં જાશે.
પ્રભુઈચ્છા વિના કાંઈ નથી બનતું, કરતા હરતા જગસ્વામી;
મન જાણે જે મેં જ કર્યું, પણ કરનારે અંતરજામી. શાને૦
પાંચ ભાઈ જે પાંડવ કહીએ, જેના સારથી જગકરતા;
એવા નર તે મહાસુખ મૂકી, દુ:ખિયા થઈ વનમાં ભમતા. શાને૦
હરિશ્ચંદ્ર મહારાજા બળિયે, રાજ રૂડી રીતે કરિયું;
૫ણ પરમેશ્વર કોપ્યા ત્યારે, નીચ ઘરે રહી જળ ભરિયું. શાને૦
નળરાજા સતવાદી કહીએ, જેની દમયંતી રાણી;
અરધે વસ્ત્રે વનમાં ભમિયાં, નવ મળિયાં અન્ન ને પાણી. શાને૦
જુઓ સતી સીતાજી મોટાં, જેના જગકરતા સ્વામી;
તેનું રાવણ હરણ કરી ગયો, ત્યારે સતી બહુ દુઃખ પામી. શાને૦
એવા મોટાને દુઃખ જ પડિયું, બીજાની તો શું કહીએ?
કહે ‘સુંદરજી’ કરી વિનતિ, હરિ રાખે તેમ જ રહીએ. શાને૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 746)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
