Shane kare che vilap, kayarani! - Bhajan | RekhtaGujarati

શાને કરે છે વિલાપ, કાયારાણી !

Shane kare che vilap, kayarani!

પુરુષોત્તમ પુરુષોત્તમ
શાને કરે છે વિલાપ, કાયારાણી !
પુરુષોત્તમ

શાને કરે છે વિલાપ, કાયારાણી ! શાને કરે છે વિલાપ રે,

તારે ને મારે હવે કાંઈ નથી, કાયારાણી રે, એમ જીવરાજા કહે છે જી...

ઘણા દિવસનો ઘરવાસ આપણે, ઘણા દિવસનો ઘરવાસ રે,

મૂકી જાવ મુંને એકલી, જીવરાજા ! રે, એમ કાયારાણી કહે છે જી...

મમતા મેલી દે ને માંયલી, અંતરથી છોડી દે ને આશ રે,

રજા નથી મારા રામની, જીવરાજા ! રે, એમ કાયારાણી કહે છે જી...

અઘોર વનની માંય કાયારાણી ! અઘોર વનની માંય રે,

મૂકી જાવ મુંને એકલી, જીવરાજા ! રે, એમ કાયારાણી કહે છે જી...

શાને કરે છે વિલાપ, કાયારાણી ! શાને કરે છે વિલાપ રે,

ઓચિંતાનાં મુકામ આવિયા, કાયારાણી રે, એમ જીવરાજા કહે છે જી…

ક્યારે થશે મેળાપ, આપણો, ક્યારે થશે રે મેળાપ રે,

વચન દઈને સિધાવજો, જીવરાજા ! રે, એમ કાયારાણી કહે છે જી...

હતી ભાડુતી વ્હેલ કાયારાણી ! હતી ભાડુતી વ્હેલ રે,

લેણ-દેણના સંબંધ છે, કાયારાણી ! રે, એમ જીવરાજા કહે છે જી...

નથી દૂર મુકામ, આપણો, નથી દૂર મુકામ રે,

મને આટલે પહોંચાડી સિધાવજો, જીવરાજા ! રે, એમ કાયારાણી કહે છે જી...

છેલ્લા હવે રામ રામ, કાયારાણી ! છેલ્લા હવે રામ રામ રે,

જાવું ધણીના દરબારમાં, કાયારાણી ! રે, એમ જીવરાજા કહે છે જી...

પુરુષોત્તમના સ્વામી શામળા, ભક્તો તણા રખવાળ ३,

સાચાં સગાં છે તો સરવના, કાયારાણી ! રે એમ જીવરાજા કહે છે જી...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય : ખંડ ૧ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2023