શામળિયા સ્નેહી રે
Shamaliya snehi re
રતનીબાઈ
Ratnibai
રતનીબાઈ
Ratnibai
શામળિયા સ્નેહી રે, અમ ઘેર આવજો રે કહું મારા મનડા કેરી વાત
મોગરાની માળા રે, લટકતી લાવજો રે રણિયા જુઓ વીતી ગઈ છે રાત
શામળિયા સ્નેહી રે...
કોડ તો કૃષ્ણજી રે, કામિનીના પૂરવા રે આવો ને તમે સભા મધ્યે રે મહારાજ
મહેતાજીને રે, મંડલિક મારશે રે લક્ષ્મીવર જાશે તમારી રે લાજ.
શામળિયા સ્નેહી રે...
હાર ન આવ્યો રે, અતિ હળવાં પડ્યાં રે, તમને કેમ ગમે છે નાથ?
વિનંતી કરીને રે, કા'ન તમને કહું રે, બૂડતાનો આવી ઝાલો હાથ.
શામળિયા સ્નેહી રે...
પ્રીતલડી બંધાણી રે, પ્રભુ તમથી ઘણી રે બીજા કોની કરીએ આસ?
વેળા તો વીતી છે રે, જાગી જુઓ જાદવા રે આસનથી ઊઠો શ્રી અવિનાશ.
શામળિયા સ્નેહી રે...
વિલંબ કર્યાથી વાત વણશી જશે રે પ્રીતમજી પધારોને આ વાર
‘રતનીબાઈ' કહે છે રે, મોહનજી માનીએ રે હરિ તમે નોંધારાના રે આધાર.
શામળિયા સ્નેહી રે...
સ્રોત
- પુસ્તક : હરિજન લોક કવિઓ અને તેમનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : દલપત શ્રીમાળી
- પ્રકાશક : માહિતી ખાતું
- વર્ષ : 1970
