કેશવલાલ
Keshavlal
શામળિયા ! સઢ તૂટ્યો રે, હોડી હવે હાલે નહિ;
આ ભવસાગર કેરા રે, ઝપાટા ઝાલે નહિ. શામળિયાત્૦
ભવસાગરના ભવદરિયામાં હાલકહુલક થાય,
નીરમ ન મળે નાથ, વધારે ૫વને પાછી જાય;
દામણ ક્યાંથી દઈએ રે? કૂવાથંભ ક્યાં છે અહીં? શામળિયા૦
ભાર ભર્યો છે નાથ વધારે, પાણી પેસે માંય,
હાય હલેસાં કામ ન લાગે, અન્ય ન કાંઈ ઉપાય;
હોકાની હેંશિયારી રે, હરિ, હવે જતી રહી ! શામળિયા૦
નાવિક મૂર્ખ નમાલો માધવ, અધિક કરાવે કાશ,
સહાયકારક સખા હતો જે, તે પણ પામ્યો નાશ;
મારી કર્મકહાણી રે, હરિ, નહિ જાય કહી ! શામળિયા૦
આ ઘનઘોર ઘટા ચડી આવી, તેમાં છે તોફાન,
ઉપર આભ તળે છે પાણી, ભૂલ્યો ભૂધર ભાન;
દામોદર ડૂબું છું રે, સંકટ સર્વે સહી સહીં. શામળિયા૦
વીજળીઓના થાય કડાકા, અતિ અંધારી રાત,
સુકાન કામ કરે નહિ કાંઈ, હવે હરિ ! ઝાલો હાથ;
વાર કરે શું વળશે રે? અધવચ આમ અહીં ! શામળિયા૦
શરણાગત પાલક છો ત્યારે ચિંતા શાને હોય?
જગજીવન ! જાણું છું સઘળું, ધીરજ ન રહે તોય !
‘કેશવ’ ક્યાં સંતાણા રે? અવસર જાય વહી. શામળિયા૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 74)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
