સહદેવ જોશી
Sahadev Joshi
શબ્દે ચાલો તમે વચનને માલો હાં, મુમનાં તમે ખરી વસ્તીમાં ખેલા,
ભાઈ ભલો રે ભાવુંનો મેળા.
પ્રથમ જુગમાં પ્રલાદ સીધ્યા હાં, કરી સત્ત ધરમની સાર,
રાણી રતનાવળીએ રોપિયો, ધન્ય ધન્ય ધરમ નિઝાર... ભાઈ ભલો રે.
માતંગને ઘેર પાટ માંડ્યો હાં, અતિ ઘણો આનંદ,
નિજિયા કારણ નીસર્યાં, રાણી તારા ને હરિશ્ચંદ... ભાઈ ભલો રે.
રાજા યુધિષ્ઠિર સહદેવ નિકુળ હાં, અરજુન ને વળી ભીમ,
કૃષ્ણ ને રાણી રૂખમણી, જેને નિજિયા ધરમનાં નીમ... ભાઈ ભલો રે.
વામન રૂપે મારો વાલેા પધાર્યાં હાં, બળી તણે રે દુવાર,
શુક્રાચાર્યે વારિયા, તું સર્વ વસ્તુ મ હાર... ભાઈ ભલો રે.
ઇંદ્ર બ્રહ્મા શેષ શંકર હાં, નારદ વિદુર વ્યાસ,
નવે નાથ ને સિદ્ધ ચોરાશી, એને નિજિયા ધરમની આસ... ભાઈ ભલો રે.
શિવ સનકાદિક ભરથ ભરથરી હાં, દતાત્રિ સુખદેવ,
નવ જોગેશ્વર જનક વિદેહી, જેને નિજિયા ધરમની ટેવ... ભાઈ ભલો રે.
આ ધરમે તો અનેક તરિયા હાં, અસંખ્ય ને અપાર,
જે કોઈ એને ચરણે આવ્યા, તે નર ઊતર્યાં પાર... ભાઈ ભલો રે.
નિજિયા ધરમના મોટો મહિમા હાં, જીભે કહ્યો નવ જાય,
સંત શબ્દે ગુરુને વચને, ‘સહદેવ જોશી’ ગાય... ભાઈ ભલો રે.
સ્રોત
- પુસ્તક : યોગવેદાંત ભજનભંડાર (પૃષ્ઠ ક્રમાંક 279)
- સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
- પ્રકાશક : સદ્ગુરુ વિશ્રામસાહેબની જગ્યા
- વર્ષ : 1994
