satnan jal sinchjo - Bhajan | RekhtaGujarati

સતનાં જળ સીંચજો

satnan jal sinchjo

આંબા છઠ્ઠા આંબા છઠ્ઠા
સતનાં જળ સીંચજો
આંબા છઠ્ઠા

એવાં સતનાં જળ સીંચજો રે

માનવી તો મૂળ વિનાનાં ઝાડ છે.

પ્રેમનાં પાંદડાં ને દયાની ડાળ્યું, પૂન્યનાં મૂળ પિયાળ છે રે,

ધરમ વિના તમે ઢળી પડશો ને વેળાએ કરોને નિવાડ રે.

એવાં સતનાં જળ સીંચજો રે...

સુકરિત ફૂલ છે ગુલાબનાં રે, તરત લાગ્યાં દો ને ચાર રે,

ફાલ્યો ફૂલ્યો એક વરખડો, ને વેડનવાલા હુશિયાર રે.

એવાં સતનાં જળ સીંચજો રે...

ફળ ચાખે તો ચળે નંઈ ને અખંડ રે'વે એનો આ'ર રે,

પરતીત તો જેની પરલે હોશે, ખેહ હોશે એના અગનાન રે.

એવાં સતનાં જળ સીંચજો રે...

જાણજો તમે કાંક માણજો, મનખો નોં આવે વારંવાર રે,

'આંબો છઠ્ઠો' એમ બોલિયા ને રે, સપના જેવો છે સંસાર રે.

એવાં સતનાં જળ સીંચજો રે...

સ્રોત

  • પુસ્તક : વસ્તુ અમૂલખ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : ફારૂક શાહ
  • પ્રકાશક : નવનીત સમર્પણ
  • વર્ષ : 2023