Santsamagame NIshdin satguru seviye - Bhajan | RekhtaGujarati

સંતસમાગમે નિશદિન સતગુરુ સેવિયે

Santsamagame NIshdin satguru seviye

દયાનંદ દયાનંદ
સંતસમાગમે નિશદિન સતગુરુ સેવિયે
દયાનંદ

સંતસમાગમે નિશદિન સતગુરુ સેવિયે, જેથી તારું જન્મમરણ મટી જાય જો;

અજર અમર એળખાવે સતગુરુ આત્મા, સ્થિર મન ચરણે સેજે સેજે થાય જો.

સાધુસંગ માંહી જે નર આવિયા, પ્રેમે કરીને પૂજ્યા છે પરિબ્રહ્મ જો;

વ્રેહ અને વૈરાગ્ય, વ્યાપ્યો અતિ ઘણો, વિવેક વિચારે વાસનાનો કીધો ભંગ જો;

હું ‘માર’ ! આવરણ તે અંગથી ટાળિયું, છૂટ્યો હું-તું કર્મ તણો જે કલેશ જો.

પાપને વળી પુણ્ય મટી ગયાં માયરાં, પાયો હું તો નામ નિરંતર નેક જો;

નાથ નિરંજન નૈનાં માંહી દેખિયા, ઘટઘટ-પરઘટ-અવઘટ-બોલે આપ જો.

રૂપરંગ કશું એમાં તે દીસે નહિ, નિર્મળ નામી અનામી સઘળે વ્યા૫ જો;

વેદ, વેદાંતને શાસ્ત્રો શ્રવણે સાંભળી, અંતર માંહી ઉપન્યો બહુ આનંદ જો.

હરખશેક મટ્યો રે મારા મન તણો, લગની લાગી સદગુરુ સંતોની સંગ જો;

શુદ્ધ સ્વરૂ૫ ૫રમાનંદ ગુરુજી ભેટિયા, કોટિ જન્મમાં સુધર્યાં મારાં કાજ જો.

‘દયાનંદ’ ચિત્ત ચરણકમલમાં રાખિયે, સત ચિત્ત આનંદ આપોઆપ અમા૫ જો.

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 152)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946