sanman san - Bhajan | RekhtaGujarati

સાનમાં સાન

sanman san

ગંગાસતી ગંગાસતી
સાનમાં સાન
ગંગાસતી

સાનમાં સાન એક ગુરુજીની કહું, પાનબાઈ!

જેથી ઉપજે આનંદના ઓધ રે,

સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે,

તેને મટી જાય માયા કેરા ક્ષોભ રે... સાનમાં.

ભાઈ રે! ચૌદલોકથી વચન છે ન્યારું, પાનબાઈ!

તમે તેની કરી લિયો ઓળખાણ રે,

જથારથ બોધ વચનનો સૂણો, પાનબાઈ!,

મટી જાય મનની તાણાવાણ... સાનમાં.

ભાઈ રે! વચન થકી ચૌદ લોક રચાણા,

વચન થકી ચંદાને સૂર રે,

વચન થકી માયા ને મેદની, પાનબાઈ!

વચન થકી વરસે સાચાં નૂર રે… સાનમાં,

વચન જાણ્યું તેણે સરવે જાણ્યું, પાનબાઈ!

તેને કરવું પડે મૈં બીજું કાંઈ રે,

ગંગાસતી એમ બોલિયા રે,

તેને નડે નહિ માયા કેરી છાંય રે… સાનમાં.

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાની ગંગાસતીનું દર્શન (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સર્જક : લક્ષ્મણ પિંગળશીભાઈ ગઢવી
  • પ્રકાશક : શ્રી મેરુભા ગઢવી સ્મૃતિ પ્રકાશન, જામનગર
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 2