samje tene sukh - Bhajan | RekhtaGujarati

સમજે તેને સુખ

samje tene sukh

ઋષિરાજ ઋષિરાજ
સમજે તેને સુખ
ઋષિરાજ

સદા સુખિયા જગતમાં સંત

દુરિજન સદા દુઃખિયા રે

ના આવે જેને અકળામણનો અંત

મૂરખ મનના મુખિયા રે !

રુએ રાત ને દી ઓલ્યા રાંક, ભૂખે મન ભટકે રે,

વડો પૂરવ જનમનો વાંક, આજ ખરેખરો ખટકે રે...

તાલેવરને નાણાનો સંતાપ, ધખના એને ધનની રે,

મારાં નાણાંનો થઈ જાય નાશ, ઝૂરે તો ઝાઝું રે...

સુવાસણને ધણીનો સંતાપ, હુકમ એને દાડી રે

તો વિધવાનાં પૂરણ પાપ, ઉંમર ઓશિયાળી રે...

વણ પરણેલા મનમાં મૂંઝાય, ફોગટ જેવા ફરીએ રે,

તો પરણેલા પૂરણ પસ્તાય, હવે કેમ કરીએ રે!...

જેને પ્રપંચ ઉપર ઝાઝી છે પ્રીત, ઝૂરે ઝાઝું રે,

'ઋષિરાજ'ની છે શીખ, સમજે તેને સુખ સાચું રે...

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009
  • આવૃત્તિ : 1