Sakhi padave te panthe chalya re - Bhajan | RekhtaGujarati

સખી પડવે તે પંથે ચાલ્યા રે

Sakhi padave te panthe chalya re

આત્મારામ આત્મારામ
સખી પડવે તે પંથે ચાલ્યા રે
આત્મારામ

સખી પડવે તે પંથે ચાલ્યા રે,

મહા વનના તે મારગ ઝાલ્યા રે;

સાથે સીતા ને લછમન બાલા,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી બીજે મઢીમાં બિરાજે રે,

રૂડી નદીઓ તણાં નીર ગાજે રે;

રામ મેલી ગયા રૂડું રાજે,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી ત્રીજે તે વન કેરી ઝાડી રે,

વનફળ મંગાવે છે દહાડી રે;

સારી શોભે સીતાજીની વાડી,

રઘુપરિ રામ રૂદયામાં રહેજો રે.

સખી ચોથે કેવડિયો મહેકે રે,

ફાલ્યોફૂલ્યો તે મોગરો મહેકે રે;

લીલી લતાઓ વન તણી લહેકે,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી પાંચમે પોપટ પાળ્યો રે,

પાંખ લીલી ને કાંઠલો કાળો રે;

મુખે રામ ભણંતો ભાળ્યો,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી છઠે છેતરવા આવ્યો રે,

કૂડો કપટી રાવણ સાથ લાવ્યો રે;

સુવર્ણમુખનો મૃગ બનાવ્યો,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી સાતમે શ્રીહરિ સમર્યા રે,

વાડી ભેળી ઉરડ્યા ભમરા રે;

ડંખ સહિત તાણ્યા છે ડમરા,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી આઠમે રામે નિહાળ્યો રે,

ધનુષ ધારીને મૃગલો માર્યો રે;

મૃગ મરતાં એમ નામ પોકાર્યો,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી નોમે તે નાખ્યું તીર રે,

જઈ વાગ્યું મૃગને શિર રે;

ધાજો ધાજો લક્ષ્મણ વીર,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી દશમે સીતા કહે લક્ષ્મણને રે,

બેલી વીરો બોલાવે છે તમને રે;

આડી આણ દીધી છે અમને,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી એકાદશી અપવાસી રે,

લંપટ લેવાનો લાગ તપાસી રે;

રાવણ સીતાને લઈ ગયો નાસી,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી બારસે હનુમાન બળિયો રે,

ઠેકી સમુદ્ર પાર નીકળિયો રે;

જઈ જોગમાયાને મળિયો,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી તેરસે ત્રંબાળુ ગાજે રે,

હાક હનુમાન કેરી વાગે રે;

લાય લંકા તે ગઢમાં લાગે,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી ચૌદશે ચિત્ત વિચારી રે,

ફોજ વાંદરાની રચી સારી રે;

રામે રાવણને નાખ્યો મારી,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી પૂનમે પ્રભુજી આવ્યા રે,

થાળ ભરી મોતીડે વધાવ્યા રે;

માતા કૌશલ્યાને મન ભાવ્યા,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સખી પંદરે તિથિ થઈ પૂરી રે,

એમાં એકે નથી અધૂરી રે;

‘આત્મારામ’ની વાણી મધુરી,

રઘુપતિ રામ રૂદયામાં રહેજો રે.

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963