પીર સદરુદીન
Pir Sadarudin
સખી મહાપદ કેરી વાત, કોઈક જાણે રે,
જેને સતગુરુ મિલિયા સાર, સોહી પિછાણે.
સખી નાભિકમલ ઘટ માંહી, સોહમ ઊઠે રે
તિયાં જાપ જપે છે હંસ, તાર ન તૂટે રે. - સખી૦
સખી ઇંગલા પિંગલા સાર, સુખમના નાડી રે
તિયાં ચંદ્ર સૂરજ મળી બે, કે મનછાને મારી રે. - સખી૦
સખી ત્રિવેણી ઘરની માંહી, કે અખંડ જોતિ રે
તિયાં ઝગમગ ઝગમગ થાયે, કે વરસે મોતી રે. - સખી૦
સખી બંકનાળ મુકામ, સાચો કહીએ રે,
તિયાં નુરત સુરત મળી બે, કે પરચો લહીએ રે. - સખી૦
સખી એટલા સરવે નિશાન, મેલે એ નીચાં રે,
ભાઈ તેથી ઊંચે રે દેશ, કે ચડવાં ઊંચાં રે. - સખી૦
સખી પાંચ કોસ પર ગામ કે, નિશાનધારી રે,
તિયાં ધરી સુરતાનુ ધ્યાન, શ્વાસો મારી રે. - સખી૦
સખી સઘળાં રોમેરોમ, કે લાગ્યા જપવા રે,
ત્યારે સઘળા ઘટના ચોર કે, લાગ્યા છીપવા રે. - સખી૦
સખી પિંડ તણી ખબર કે, સઘળી વીસરી રે,
જ્યારે સુરતી ચડી ભરમંડ, ફૂટી નીકળી રે. - સખી૦
સખી અરસ પરસ ના કોટ, જોયા નિરખી રે
એવા સાત દ્વીપ નવ ખંડ, જોયા, પરખી રે. - સખી૦
સખી વેદ કિતાબ માંહી, કે એ ગમ નાંહી રે,
તિયાં નહીં દિવસ નહીં રાત, કે ધૂપ નહીં છાંઈ રે. - સખી૦
સખી કેવા સરીખો નથી, કે મારો સ્વામિ રે,
એ તો જોયા સરીખો છે, અલખ અનામી રે. - સખી૦
સખી અલખ અનામી સાહેબ, લાગ્યા મીઠા રે,
ભણે 'પીર સદરૂદ્દીન' શ્યામ, મેં નજરે દીઠા રે. - સખી૦
સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 216)
- સંપાદક : રામજી હીરસાગર
- પ્રકાશક : રામજી હીરસાગર
- વર્ષ : 1976
