સાંઈને સમર્યા વિના
Saine samarya vina
હીરા સાંઈ
Hira Sai
હીરા સાંઈ
Hira Sai
સાંઈને સમર્યા વિના પાર નહિ પહોંચો,
હરિને સમર્યા વિના પાર નહિ પહોંચો,
અહીં ધુતારાનાં શહેર છે... સાંઈ૦
જનમ્યા હતા તે દિ' શું બોલી બોલતા,
હવે રે બોલ્યામાં ઘણો ફેર છે... સાંઈ૦
કરિયું કમાઈયું તારે ચોપડે રહેશે,
લેખાં લેવાને સાહેબ તેડશે... સાંઈ૦
ભવ રે સાગરમાં રૂડાં મોતીડાં નીપજે,
છીપે છીપે ઘણો ફેર રે... સાંઈ૦
સાધુ બન્યા તેથી શું રે કમાણા?
પ્યાલે પ્યાલે ઘણો ફેર છે... સાંઈ૦
મોટાયું તારી મૂકતો નથી.
એવી મોટાયું તને વેડશે... સાંઈ૦
માયાના બંધમાં બંધ મૂંઝાઈ ગયો,
લેખાં લેવા તને તેડશે... સાંઈ૦
ગુરુના પ્રતાપે બોલ્યા 'હીરો સાંઈ'
દીધા વિના ક્યાંથી પામશો?... સાંઈ૦
દેવું રે લેવું હોય તો દઈ કરી લેજો,
માથે સાહેબની ઘણી મહેર છે... સાંઈ૦
સ્રોત
- પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 112)
- સંપાદક : જોરાવરસિંહ જાદવ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1989
