પુરુષોત્તમ
Purushottam
સગપણ આડાં આવે, એના મનડાને બહુ મૂંઝાવે,
યુદ્ધમાં અર્જુનને રે, એનાં સગપણ આડાં આવે..૦
કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી, મધ્યમાં રથને લાવે,
કોને મારું? ક્યાં તીર ચલાવું? એની સમજણમાં નવ આવે...
- યુદ્ધમાં અર્જુનને રે, એનાં સગપણ આડાં આવે...૦
અરજુન કહે, મારા કૃષ્ણ પ્રભુજી ! આ પાપથી કોણ બચાવે?
રુધિર ભરેલા વૈભવ એ તો મુંને, કેમ ભોગવવા ભાવે ?
- યુદ્ધમાં અર્જુનને રે, એનાં સગપણ આડાં આવે...૦
કોઈ સગું નથી આ દુનિયામાં, એમ શ્યામ સુંદર સમજાવે,
આવી કાયરતા ભાઈ! ક્યાંથી લાવ્યો ? તારી કીર્તિને કલંક લગાવે...
- યુદ્ધમાં અર્જુનને રે, એનાં સગપણ આડાં આવે…૦
અગ્નિ ન બાળે, એને પવન ન સૂકવે, પાણી એને ન પલાળે,
આતમ તત્ત્વ અમર છે અર્જુન ! જ્ઞાન ગીતા સમજાવે…
- યુદ્ધમાં અર્જુનને રે, એનાં સગપણ આડાં આવે...૦
જ્ઞાન ગીતામાં ધ્યાન દઈને, ઓલો અર્જુન બાણ ચલાવે,
પરસોત્તમના સ્વામી શામળો, એ તો ભારતમાં ભારત રચાવે…
- યુદ્ધમાં અર્જુનને રે, એનાં સગપણ આડાં આવે...૦
સ્રોત
- પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય : ખંડ ૧ (પૃષ્ઠ ક્રમાંક 41)
- સંપાદક : નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2023
