sadhu kon ghatDaman bole chhe tare? - Bhajan | RekhtaGujarati

સાધુ કોણ ઘટડામાં બોલે છે તારે?

sadhu kon ghatDaman bole chhe tare?

કાજી અનવર મિયાં કાજી અનવર મિયાં
સાધુ કોણ ઘટડામાં બોલે છે તારે?
કાજી અનવર મિયાં

સાધુ કોણ ઘટડામાં બોલે છે તારે?

તેનો તારા અંતરમાં કરને વિચાર... સાધુ૦

જે બોલે તે જુદો નથી તુજથી સાધુ,

જો અંતરમાં ખોજીને તું તુજને ધારે... સાધુ૦

તારા વિના બીજો નહીં કોઈ બોલે,

ના હોય તું તો મડદું બોલે લગારે... સાધુ૦

તું બોલે તું દેખે તું હાલે તું ચાલે,

ના બોલે કોઈ તું જો તનથી પધારે... સાધુ૦

જેવું દૂધમાં ઘૃત પથરામાં અગ્નિ,

એવો આત્મા તનમાં છે હે ગમાર... સાધુ૦

તું ભૂલો ભમે છે નથી જ્ઞાન તુજને,

તું સમજી લે તારા ગુરુના આધારે... સાધુ૦

તને જ્ઞાન થાશે ગુરુથી હે ‘જ્ઞાની’,

પછી વ્હેમ તુજને ના રહેશે લગારે... સાધુ૦

સ્રોત

  • પુસ્તક : અનવર કાવ્ય (ગુલશને ખુશી) (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : શેઠ હઠીસંગ ચુનીલાલ
  • પ્રકાશક : શ્રી હરિહર પુસ્તકાલય, સુરત