sadguru sharam vina agyan timir - Bhajan | RekhtaGujarati

સદ્ગુરુ શરણ વિના અજ્ઞાન-તિમિર

sadguru sharam vina agyan timir

કેશવલાલ કેશવલાલ
સદ્ગુરુ શરણ વિના અજ્ઞાન-તિમિર
કેશવલાલ

સદ્ગુરુ શરણ વિના અજ્ઞાન-તિમિર ટળશે નહિ રે;

જન્મમરણ દેનારું બીજ ખરું બળશે નહિ રે. સદ્ગુર૦

પ્રેમામૃતવચનપાન વિના, સાચાખોટાના ભાન વિના;

ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહિ રે. સદ્ગુરુ૦

શાસ્ત્ર-પુરાણ સદા સંભારે, તન મન ઇન્દ્રિય તત્પર વારે;

વગર વિચારે વળમાં સુખ રળશે નહિ રે. સદ્ગુરુ૦

તત્ત્વ નથી મારા-તારામાં, સૂઝ-સમજ નરસા–સારામાં;

સેવક - સુત - દારામાં, દિન વળશે નહિ રે. સદ્ગુરુ૦

‘કેશવ’ હરિની કરતાં સેવા, પરમાનંદ બતાવે તેવા;

શોધ વિના સજ્જન એવા મળશે નહિ રે…. સદ્ગુર૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946