સાચી રે વસત તારા શે'રમાં હો-જી
Sachi re vasat tara sherma ho ji
વેલનાથ
Velnath
વેલનાથ
Velnath
હે-જી વીરા મારા,
સાચી રે વસત તારા શે'રમાં હો-જી!
દુનિયા અંધી મ થાવ
દીવો કરો ને ઢૂંઢો મે૨મો હો-જી !
હે-જી વીરા મારા,
તરકનાં તીરડાં ભાથે ભરિયાં હો-જી!
થોથાં કાય કું ઉઠાવ
મરઘો ચરે રે તારા મે’લમાં હો-જી!
હેજી વીરા મારા,
તખત તરવેણી કેરા તીરમાં હો-જી!
ધમણ્યું ધમે રે લુહાર
નૂર રે ઝરે આપણી કોઢમાં હો-જી!
હે-જી વીરા મારા,
સાતમે શિખર ૨મે સાયબો હો-જી!
પિંડમાં પડે રે પડઘાંવ
કળને જાણીને અકળ ઓળખો હો-જી!
હે-જી વીરા મારા,
વાઘનાથ ચરણે ‘વેલો’ બોલિયા હો-જી!
ઘાંઘા વાંઘા મેં થાવ
કસ્તુરી ફોરે રે આપણા ઘરમાં હો-જી!
સ્રોત
- પુસ્તક : ચૂંટેલાં ભજન (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : નરોત્તમ પલાણ
- વર્ષ : 2004
