Rentiyanu pad - Bhajan | RekhtaGujarati

રેંટિયાનું પદ

Rentiyanu pad

હરિશ્ચંદ્ર હરિશ્ચંદ્ર
રેંટિયાનું પદ
હરિશ્ચંદ્ર

સખી જેને રેંટિયો મારો રે, ચતુર કારીગર ઘડનારો રે.

પંચ પ્રાણનાં પાટીયાં ફરતાં ને, પિંડ કેરી માંહી પાટ,

મદ મમતાની માંકડી ફરતી, લલૂતા કેરી લાટ. સખી૦

કાડિયો કામ ક્રોધનો કીધો ને, અહં મમતા રૂપી ઊભા થંભ,

ચંચલ ચિત્તની ચકલી રે ફરે, અને દામણી બાંધી દંભ. સખી૦

ચિંતા રૂપી માંહી ખોસ્યાં ચમરખાં ને, ભ્રમણાની ભમરી અથાગ,

મેહ માયા રૂપી માળ ફરે માંહી, તૃષ્ણા રૂપી ફરે ત્રાક. સખી૦

આવરદા રૂપી રસિક રૂ માંહી, માયિક જીવની માળ,

ઘડી પળ રૂપી તાંત ફરે માંહી, પીંજે પીંજારે કાળ. સખી૦

પ્રારબ્ધ કર્મ પૂણી બની કોકડી, ક્રિયમાણ ભરાય,

સંચિત કર્મ કેરા પછી સેલમાં, ફારકાં ફટોફટ થાય. સખી૦

રાત દિવસ રાંટો ફરે રેંટિયો, ફેરા ચેારાશી લક્ષ,

‘હરિચંદ્ર’ ગુરુ સુતાર મળે તો, પાંસરો થાશે પ્રત્યક્ષ. સખી૦

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
  • પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
  • વર્ષ : 1922