રાવણ કહે રે
Ravan Kahe re
રણછોડ
Ranchhod
રણછોડ
Ranchhod
રાવણ કહે રે; ‘મંદોદરી, હારશો નહિ હૈયે;
લંકાગઢ કેમ લેવાશે, દશરથને રે છૈયે? રાવણ૦
સેના એની જુઓ શોભતી, માંહી વનચર વારુ;
રાજા રાવણને જીતશે, એ તો શ બળ સારુ? રાવણ૦
થાળી વગાડે હું નવ બીઉં, રહ્યા ત્રંબાળુ ગાજી;
મુજ આગળ શો આશરો? શીદ જક કરે છે ઝાઝી? રાવણ૦
અજાણ્યો મારો એ નથી, માનુની મતિ પાઈ;
જોર કરીને આવિયો, જો જનકનો જમાઈ ! રાવણ૦
ત્રણ ભુવનમાં તરુણી, નથી નરપતિ એવા;
રાજા રાવણ-શું આથડે, યુદ્ધનો લહાવો લેવા. રાવણ૦
નવ ગ્રહને મેં વશ કર્યાં, લોપી મુનિવરની માઝા;
ઇંદ્ર રહ્યો મુજ આજ્ઞા મહીં, તેત્રીશ ક્રોડનો રાજા. રાવણ૦
મરણ આવ્યું હશે મારું, હરિને હાથે હણાશું;
લંકા લેઈ વૈકુંઠ આ૫શે, તેમાં લાતી શો ખોશું. રાવણ૦
નાર નહિ આપું એ રામને, બિરદ મારું રે જાય;
થનાર હશે તે થઈ રે'શે !’ ગુણ ‘રણછોડ’ ગાય. રાવણ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 656)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
