Ramratan kar nishdin bhai - Bhajan | RekhtaGujarati

રામરટણ કર નિશદિન ભાઈ

Ramratan kar nishdin bhai

દયાનંદ દયાનંદ
રામરટણ કર નિશદિન ભાઈ
દયાનંદ

રામરટણ કર નિશદિન ભાઈ, રાગદ્વેષ નહિ આવે રે;

ગુરુગમ જ્ઞાન બતાવે ગગનમાં, સોહં રામ દરસાવે રે. રામરટણ૦

સોહં રામ સકલમાં દરસે, આપે બોલો ને બોલાવે રે;

પાંચ, પચીસ, તીન, એંગણીસમાં, કર્તા-અકર્તા કહાવે રે. રામરટણ૦

બાવન અક્ષર બહાર તે બોલે, રામ સુણે ને સુણાવે રે;

રામ હી દેખત રામ દેખાવત, રામ અદેખ હોઈ જાવે રે. રામરટણ૦

રામ હી લેતા રામ હી દેતા, રામ ચરણથી ચલાવે રે;

રામ હી ઊઠત રામ હી બેસત, રામ સોવે ને જગાવે રે. રામટણ૦

રામ હી ખાવત, રામ હી પીવત, રામ હી ભોગ લગાવે રે;

રામ હી રાગી મનમાં બેરાગી, રામ–જોગે રામ ગાવે રે. રામરટણ૦

રામ હી જપિયા રામ હી તપિયા, રામ રમે ને રમાવે રે;

રામ વિના એક અણુ નહિ ખાલી, હરિ બિન પત્ર હાલે રે. રામટણ૦

અકલ ખેલ સોહં રામ આપે, ગુરુ બિના પાર પાવે રે;

‘દયાનંદ’ કેવળ રામ સમરી, નિત્ય રહે છે નિરદાવે રે. રામરટણ૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 152)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946