Ramban vagya hoy te jane - Bhajan | RekhtaGujarati

રામબાણ વાગ્યાં હોય તે જાણે

Ramban vagya hoy te jane

ધના ભગત ધના ભગત
રામબાણ વાગ્યાં હોય તે જાણે
ધના ભગત

રામબાણ વાગ્યાં હોય તે જાણે ! પ્રભુનાં બાણ વાગ્યાં હોય તે જાણે;

ઓલ્યા મૂરખ મનમાં શું આણે ? રામબાણ વાગ્યાં હોય તે જાણે.

ધ્રુવને લાગ્યાં, પ્રહ્લાદને લાગ્યાં, તે ઠરીને બેઠા રે ઠેકાણે;

ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં, તો વેદ-વચન પ્રમાણે. રામબાણ૦

મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરિ આવ્યા જે ટાણે;

લઈ કરવત મસ્તક પર મેલ્યું, પત્ની-પુત્ર બેઈ તાણે. રામબાણ૦

મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને, રાણોજી ખડગ તાણે;

વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા તો અમૃતને ઠેકાણે. રામબાણ૦

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણે;

આગળ સંત અનેક ઓધાર્યા, એવું ‘ધનો ભગત’ ઉર આણે. રામબાણ૦

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998