રામ તો રમે રે
Ram to rame re
પીતાંબર
Pitambar
પીતાંબર
Pitambar
રામ તો રમે રે, મારે રામૈયો રમે !
નિત્ય નીરખે નેણુંમાં મારો રામ તો રમે ! નિત્ય૦
મીઠા મે’રામણનો મરમ ન જાણ્યો મૂરખે;
ભવ રે સાગરમાં તું તો ભૂલ્યો રે ભમે. નિત્ય૦
દાસપણાની જેને દલ પત ના'વી રે;
ખોટા ચલણનાં મૂરખો ખૂંદણાં ખમે ! નિત્ય૦
કૂડ-કપટની જેણે કિરિયાઓ સાધી રે;
દુગ્ધાનાં માર્યાં એ તો દેહને દમે. નિત્ય૦
વિધવિધ પેરે તમે જુઓને વિચારી રે;
સાહેબમાં શમે રે તેને ભૂપ તો નમે ! નિત્ય૦
‘દાસ પીતાંબર’ સદ્ગુરુજીને વચને રે;
ખબરું લેજો રે, વહાલા ! સમે' ને સમે'. નિત્ય૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 207)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
