raammadhi - Bhajan | RekhtaGujarati

રામમઢી રે મારી રામમઢી;

ગંગાને કાંઠે રામમઢી,

જમનાને કાંઠે રામમઢી,

રે મારી રામમઢી.

કોઈ સંતન આવે, મંગલ ગાવે,

અલખધૂન રસરંગ લગાવે,

આવે કોઈ અબધૂત ચડી – રે મારી...

રણઝણે મંજીરા, બજે તંબૂરા,

ગુંજે જગકુંજે સ્વર મધુરા,

દૂર દૂર એ પડઘી પડી — રે મારી...

રસભર હૈયાંની ડોલે નૈયા,

પિયુ પિયુ બોલે પ્રાણબપૈયા,

ચેતનની વરસંત ઝડી – રે મારી...

કાંઈ ગગનમંડલે નયના ઝંખે,

પરમ તેજ પલકંતાં તલખે,

અલખ મંદરિયે નજરો અડી,

રે મારી રામમઢી.

તરવેણી તીરે રામમઢી.

રે મારી રામમઢી.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941