પ્રેમની પાટી
premnii paatii
દયાનંદ
Dayanand

મૂરખ મન મેલ અંતર આંટી,
સંસારમાં ખેલ જાને ખાટી...
કરમ-ભરમનાં કાઢીને કોકડાં
મોરે થાજો માટી,
શીલ સમશેર લઇ ચાલો સમરમાં
કાળને નાખો કાટી.
મૂરખ મન મેલ...
બુદ્ધિનાં બખ્તર ઢાલ ધીરજની
પ્રેમની લ્યોને પાટી,
કામ-ક્રોધને મારી હટાવો
તોડો આવાગમનની ઘાટી.
મૂરખ મન મેલ...
કાયર નરનું કામ નથી
રમે શૂરા તે સિર સાટે,
માથું મેલીને ચઢે મેદાને
તોડે તૃષ્ણાની ત્રાટી.
મૂરખ મન મેલ...
નિરભે નામના ચઢાવો વાવટા
વેરી નાખોને વાટી,
'દાસ દયો' કે' કોઈ આડું ન આવે
ફૂંકે જાય ફાકી.
મૂરખ મન મેલ...



સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : ડિસેમ્બર ૨૦૧૧ (પૃષ્ઠ ક્રમાંક 30)