વિશ્વનાથ જાની
Vishwanath Jani
[દુહો]
નંદજી કેહે : 'ઉદ્ધવ ! સુણો, માહારા મનની વાત :
મેં હઇડું ક્ષણ થિર કર્યું; પણ મરશે એની માત.
એક મહુરતમાં માહાવજી લીલા કીધી લક્ષ;
ઘટે નહીં ગોવ્યંદજી ! તજવો તેહેનો પક્ષ.
[ગીત]
આવોજી એક વાર, આતા ! આવોજી એક વાર;
દિન દશ રહીને ચાલજ્યોજી, પ્રાણ તણા આધાર !... આતા૦
નાહાનો સરખો નેશડો રે, કાલા ગેહેલા લોક;
તે ગોકુલ આવો, કાહાનજી રે ! તેહનો ટાલવાનો શોક… આતા૦
શોણું સરખું વહી ગયું રે; ખરી ન પોહોતી ખાંત;
સુખદુ:ખ કેરી વાતડી રે, નવ્ય કીધી એકાંત... આતા૦
ભાર ઉતારો, ભૂધરા રે ! ગરઢો જાણીને તાત;
કોહોને દુઃખ મનનું કેહે રે, મોહન ! તાહારી માત?... આતા૦
જો મથુરામાં વસવું ગમે રે, તો તેડો અમને સાથ;
ના નવ્ય કહિએ, કાહાનજી ! ઝાલી જાતાં હાથ્ય... આતા૦
સરવ વિના જ્યવિ સરે રે, ન સરે તુજ વિના, વીર !
કોહોની કહી વિધ રાખીએ રે, પ્રાણ વિનાનાં શરીર ?... આતા૦
મન જોયાને મોકલ્યા રે, ઉદ્ધવ, માહારાં તંન !
પણ હીરે જે જન હેલવ્યા રે, તેહેનાં સ્ફટિકે ન માને મંન... આતા૦
એહ પચવીશી પ્રેમની રે, ગાશે સુણશે જેહ,
જ્યાની, જ્યદુપતિ રાખશે રે, તે જન ઊપર નેહ... આતા૦
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 45)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
