prashna 1 - Bhajan | RekhtaGujarati

પ્રશ્ન ૧

prashna 1

જૂઠીબાઈ જૂઠીબાઈ
પ્રશ્ન ૧
જૂઠીબાઈ

પ્રપંચ કેને કહીએ રે, તેનો મને ભેદ કહો રે,

સાનમાં સમજાવો રે, મને તમે મરમ દીઓ... પ્રપંચ૦

સન્મુખ થઈને એક પ્રશ્ન પૂછું, નરક અને સ્વર્ગ કોણ કહેવાઈ,

પાપ પુન્ય કોણ કરે, કોણ આવે ને જાય... પ્રપંચ૦

આત્મામાં અવિનાશી રે, કહોને મારાજ કોને કહીએ,

જીવ શિવનું રૂપ કહી દ્યો, મુજને બતાઈ... પ્રપંચ૦

નાદ-બૂંદ ક્યાંથી ઊપજ્યા, તે કહો મને સમજાઈ,

અગમ વસ્તુ શું છે રે, કૃપા કરી આપ કહો... પ્રપંચ૦

નામ-રૂપ ઉપાધિ ક્યાં થઈ, કહો તેનો વિસ્તાર,

જીવ ઈશ્વરનું જૂજવાપણું, કહો મુંને તેનો સાર... પ્રપંચ૦

સિદ્ધાંતમાં બતાવો રે, સંત મુંને કૃપા કરી,

વિશ્વનો જ્યારે પ્રલય થાય છે, ત્યારે કાળ કોને ખાય છે... પ્રપંચ૦

સંશય છે મુજને, તે કહો સમજાય,

'જૂઠીબાઈ' કહે છે રે, જીવ-શિવ કહાં જઈ સમાઈ રહે... પ્રપંચ૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર