Prani tane kone bharmavyo re - Bhajan | RekhtaGujarati

પ્રાણી તને કોણે ભમાવ્યો રે

Prani tane kone bharmavyo re

ગોવિંદરામ ગોવિંદરામ
પ્રાણી તને કોણે ભમાવ્યો રે
ગોવિંદરામ

પ્રાણી તને કોણે ભમાવ્યો રે, હરિનું નામ મેલ્યું ટાળી,

કાચી કાયા કાલે ૫ડશે, દેખીતી રૂપાળી. પ્રાણી૦

માયા જોઈને મનમાં રીઝ્યો, માયાનું સ્વરૂ૫ છે ખોટું,

ભાવ કરીને ભજન કરી લે, હરિનું નામ છે મોટું. પ્રાણી૦

માત પિતા સુત બંધવ ભગિની, કહેશે મ્હારું મ્હારું,

ચપળ ચતુરા જોઈને રીઝ્યો, એમાં નથી કોઈ ત્હારું. પ્રાણી૦

હાથી ઘોડા પાલખીઓને, જેને મેઘાડંબર ધરતા,

નવે ખંડમાં આણ ફેરવતા, તે નર દીઠા બળતા. પ્રાણી૦

નિશાને જેને નેબત ગડગડે, કુંતલ (૧) દોરે સાથે,

છપ્પન ઉપર ભુંગળ વાગે, તે ગયા ઠાલે હાથે. પ્રાણી૦

છડીદાર ઊભા નેકી પોકારે, ચોપદાર જશ બોલે,

રથ હિંડોલે બેસી ફરતા, તે ગયા વાગતે ઢાલે. પ્રાણી૦

છજાં અટારી મેડી ઝરૂખા, ગોખ જાળિયા જાળી,

રંગ મહેલમાં ભોગાવનારા, તેને નાખ્યા બાળી. પ્રાણી૦

હુંડી ચલાવે મનમાં મહાલે, ભંડાર ભર્યાં ભરપૂરે,

તે સરખા ખોળ્યા નવ જડિયા, ગયા આકને તૂરે. પ્રાણી૦

છેાગાળાને છેલ છબીલા, વરણાગીમાં રૂડા,

‘ગોવિંદરામ’ કહે નિશ્ચે માનો, રહ્યા સાર ભુંડા. પ્રાણી૦

સ્રોત

  • પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
  • પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
  • વર્ષ : 1922