Pragat male sukh thay - Bhajan | RekhtaGujarati

પ્રગટ મળે સુખ થાય

Pragat male sukh thay

દયારામ દયારામ
પ્રગટ મળે સુખ થાય
દયારામ

પ્રગટ મળે સુખ થાય, ગિરધર પ્રગટ મળે સુખ થાય !

અંતર્યામી અખિલમાં છે, તેથી કહો કો'નું દુઃખ જાય?

તેલ વિના અસ્ફુટ તલ પૂરેથી દીપક કેમ પ્રગટાય? ગિરધર૦

પ્રગટ પાવક વિના કાષ્ટને ભેટે, કઈ પેરે શીત સમાય?

પૃથ્વી ચાટે તૃષા ટળે નહિ, અંતર જળ શ્રુતિ ગાય ! ગિરધર૦

દીવાસળી પાષાણસ્પર્શથી કો’ કહે જ્વાળા જણાય?

સુરભિપેટમાં પય, તેમાં ઘૃત, તો પુષ્ટિ પામે ગાય ! ગિરધર૦

વ્યાપકથી વાતો નવ થાયે : તેથી જીવ અકળાય !

રસિયા જન મનરંજન હરિવર, ‘દયા’ પ્રીતમ ગુણ ગાય. ગિરધર૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 147)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946