pothi wanche prabhu nahi male - Bhajan | RekhtaGujarati

પોથી વાંચે પ્રભુ નહિ મળે

pothi wanche prabhu nahi male

ઉકા ભગત ઉકા ભગત
પોથી વાંચે પ્રભુ નહિ મળે
ઉકા ભગત

પોથી વાંચે પ્રભુ નહિ મળે, ખોજો આપ-શરીર !

શબ્દ ગુરુના નવ છોડીએ, અવસર નહિ આવે ફિર... પોથી૦

રે અજવાળું ઘડી પલકનું, પછી અંધારી રાત,

ભેદું વિના ભીડ કોણ ભાંગશે, જીવને થાશે ઉત્પાત... પોથી૦

ધન-જોબન આપ્યું તુજને, જાણ્યા નહિ જુગદાધાર,

માયાને વળગી રહ્યો, અંતે થયો રે ખુવાર... પોથી૦

તીરથ-વ્રત કર્યે શું થાય, જાણ્યા નહિ જગનાથ,

કર્મનાં કષ્ટ ટળ્યાં નહિ, બહુવિધ જોયા ઘાટ... પોથી૦

નિરભે નગારાં જ્યારે વાગશે, થશે અનુભવ-જ્ઞાન,

કહે ‘ઉકો’ ગુરુગમ મળ્યે, થાશે કોટિ કલ્યાણ... પોથી૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : 3