Popat pinjar nahi taru - Bhajan | RekhtaGujarati

પોપટ પિંજર નહિ તારું

Popat pinjar nahi taru

કેશવલાલ કેશવલાલ
પોપટ પિંજર નહિ તારું
કેશવલાલ

પોપટ પિંજર નહિ તારુ, અંતે ઊડી જાવું પરબારું.

છે પરનો પણ પરિચયથી તું, માની બેઠો શું મારું?

તું ક્યાનો? પિંજર ક્યાનું? સમજે તો બહુ સારું. પો૦

મનુષ્યદેહ છે મહાદુર્ગંધી, નર્ક સમાન નઠારું;

તેને તું કંચનમય માને, આવડું શું અંધારું? પો૦

બીજું જોયા જેવું આ, પણ નામ છે કેવળ ન્યારું;

સર્વ પ્રકારે સાચવતો તું, અંતે છે પડનારું. પો૦

સાર અસાર વિચાર કરે, તો છે ભવસાગરનું બારું;

‘કેશવ’ હરિ કારીગર તેને, વીસરું નહિ, સંભારું. પો૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 62)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963