પીંપળિયે પીરુંનાં બેસણાં રે
piinpaLiye piirunnaan besnaan re
ઝબુબાઈ
Zabubai

પીંપળિયે પીરુંનાં બેસણાં રે, જેનાં નવ ખંડે વરસે નૂર,
ચાલો જઈએ દરશને રે.
લોભ ઈરશા અંતરથી અળગી કરો રે,
થાજો તન મન અરપી તૈયાર... ચાલો૦
અવિદ્યાનાં આભૂષણ ઉતારો રે,
સતિયું પે'રોને સતના શણગાર... ચાલો૦
મેાટા મુનિવર સંત પધારશે રે,
મળશે નૂરીજન અઢાર... ચાલો૦
આપે આલમ સવારીમાં આવશે રે,
થાશે લીલે ઘોડે અસ્વાર... ચાલો૦
એના નેજા ધરણી પર ઢળકશે રે,
ત્યાંથી કંપીને ભાગશે કાળ... ચાલો૦
પાખંડી ને પામર આવે પીડવા રે,
તેને હાકમ પમાડશે હાર... ચાલો૦
દાસી 'ઝબુ' દોઈ કર જોડી દાખવે રે,
એ છે અવિનાશી અવતાર... ચાલો૦



સ્રોત
- પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 108)
- સંપાદક : જોરાવરસિંહ જાદવ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1989