Parki hunshe mahata kare praniya - Bhajan | RekhtaGujarati

પારકી હૂંશે મહતા કરે પ્રાણિયા

Parki hunshe mahata kare praniya

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
પારકી હૂંશે મહતા કરે પ્રાણિયા
નરસિંહ મહેતા

પારકી હૂંશે (૧) મહતા કરે પ્રાણિયા, પુણ્ય પાખી સર્વ વાત ખોટી;

કે તેં તો કર્ષણ કોદરા વાવિયા, ક્યાંથી જમે તું તો દાળ રોટી ! - પા૦

કે તેં તો દાન કદી આપ્યું અજા તણું (૨), ક્યાંથી દૂહે તું તો ઘેર ઝોટી (૩) !

કે તેં તો કથિર સોનારને આપિયું, ક્યાંથી પેહેરે તું તો કનકટોટી (૪) ! - પા૦

પુણ્યથી સિદ્ધિ છે, પુણ્યથી સિદ્ધિ છે, પુણ્યથી પેહેરશે ડગલો ડોટી (૫);

ભણે ‘નરસૈયો’ તું, પુણ્ય કર પ્રાણિયા, પુણ્યથી પામશે પદવી મોટી. - પા૦

સ્રોત

  • પુસ્તક : મીરાં અને નરસિંહ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : હરસિદ્ધભાઈ વ. દિવેટિયા
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1944