ઓલ્યા દુરિજન
Olya Durijan
સવા ભગત
Sava Bhagat
સવા ભગત
Sava Bhagat
દુરિજન આવી ડરાવે
વળી બહુ તાપ દઈ તાવે
ઓલ્યા દુરિજન આવી ડરાવે.
ગુણ જ્ઞાનીનો એક ન ગોતે જી, અવગુણ નજરે આવે
પોતે તો પહોળા થઈ હાલે, કે'શે બોળી માર્યા બાવે
ઓલ્યા દુરિજન આવી ડરાવે...
દોષ પોતાના દિલમાં રાખે જી, પરના અવગુણ ગાવે
પાંચ-પચીસનું ટોળું થઈને, નિંદા નદીમાં ન્હાવે
ઓલ્યા દુરિજન આવી ડરાવે...
કરમ ફૂટેલ કરણીના હીણા જી, તેને ગુરુગમ ક્યાંથી આવે
વિશ્વાસીને વણ અપરાધે સારી ઉંમર સતાવે
ઓલ્યા દુરિજન આવી ડરાવે...
હાથ જોડીને હરદમ રહેશો જી, તો ઊલટા અવગુણ ગાવે
હરિજન બિચારા હારીને રહેશે, અંતે જમને ફેરે ફાવે
ઓલ્યા દુરિજન આવી ડરાવે...
સ્વામી ફૂલગરજી સંત ચરણમાં જી, સદા ‘સવો' ગુણ ગાવે
દુરિજન આગળ દાસ થઈ રે'જો, ઈ તો જેમ બોલે તેમ ફાવે
ઓલ્યા દુરિજન આવી ડરાવે...
સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન
- વર્ષ : 2009
