રઘુનાથદાસ
Raghunathdas
ઓધવજી માધવ રે મેલી કેમ ગયા, કહોને વીરા શો છે અમારો વાંક જો;
નમેરા થયા રે નંદના લાલજી, રણુવગડામાં રોતાં મેલ્યાં રાંક જો. – ઓધવજી૦
ધીરજની વાતો રે ધરથી સાંભળો, પેલી પ્રીતે હાર્યા અમારા પ્રાણ જો;
કાળજડાં છેદ્યા રે ભીતર ભેદિયાં, મરમ કરીને માર્યાં મોહન બાણ જો. – ઓધવજી૦
ખાધાં ને પીધાં રે ખરચ્ચાં વાવર્યાં, એને અમારે અણવેચી મિરાંત જો;
લજ્જા તો લોપી રે દુરિજન લોકની, મોહન માટે તજ્યાં કુટુંબ ને જાત જો. – ઓધવજી૦
વલોણું વલોવતી હું તો ત્યાં જઈ, કહેતી હું તો જાગો જશોદા માત જો;
મહીડાંને મિષે મળતી મહારાજને, તેને મિષે કરતી વળી હું વાત જો. – ઓધવજી૦
પરભાતે પાણી રે જમુના હું જતી, શેરડિયોમાં સામા મળતા શ્યામ જો;
અલબેલો કરતો રે અમ-સું અતિ ઘણાં, જૂઠા ઝગડા જોતું બાધું ગામ જો. – ઓધવજી૦
ઉઘાડો રમતો રે મારે આંગણે, છોકરડામાં માગી પીતો છાશ જો;
માખણને મિષે રે મચકે નાચતો, અલબેલાની મોટી અમને આશ જો. – ઓધવજી૦
મેળાવો કરતો રે ઝાઝાં માંકડાં, સૂનાં ઘરમાં જઈને કરતો સાન જો;
બાળકડાં બીજાં એ અવસર આવતાં, દહી ગોરસડાં પાતો સહુને કાન જો. – ઓધવજી૦
મોભારે ચઢતો રે માખણ ચોરવા, રાડ લઈને કરતો રસની રેલ જો;
લાખેણી લીલા રે એવી લાલની, ખાંત કરીને કરતો નવલા ખેલ જો. – ઓધવજી૦
વિસ્તારી વાતો રે કીજે કેટલી, સાંભરતામાં થાય ઘણો સંતાપ જો;
‘રઘુનાથ’ના સ્વામીને સરવે સાંભરે, તમે તમારું જુવો વિચારી આપ જો. – ઓધવજી૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 805)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
