Odhavaji am sathe rashiyo rusne - Bhajan | RekhtaGujarati

ઓધવજી અમ સાથે રસિયો રૂસણે

Odhavaji am sathe rashiyo rusne

રઘુનાથદાસ રઘુનાથદાસ
ઓધવજી અમ સાથે રસિયો રૂસણે
રઘુનાથદાસ

ઓધવજી અમ સાથે રસિયો રૂસણે, રિસાયા ક્યમ કોને દિલની વાત જો;

આંટી ને ઘૂંટી તો અમે નવ જાણિયે, મોહનજીના મનમાં મોટી ઘાત જો. ઓધવજી૦

લક્ષણ સૌ જાણ્યા રે લેભી લાલનાં, ગુણવંત પણ ગાયોનો ગોવાળ જો;

આહીરડો શું જાણે રસની રીતમાં, કાનુડો કાંઈ કૂડાં ચડાવે આળ જો. ઓધવજી૦

જીવન સંગે રમવા જોબન જાળવ્યાં, બાળપણામાં ખાંતે કરતાં ખેલ જો;

મનડાંની વાતો સૌ મનમાં રહી, મેલી ગયા કંઈ દુઃખડાં કેરી હેલ જો. ઓધવજી૦

વચને અમને વાહ્યાં રે વિઠ્ઠલે, જાતાં જાતાં જૂઠો દીઘો કોલ જો;

છોકરડાં સરખે રે, અમને છેતર્યાં, તજી ગયો જો તસ્કરનો શો તોલ જો. ઓધવજી૦

મહિયરિયે જાઉં તો મુજને ખીજવે, સાસરિયામાં સાસુનો સંતાપ જો;

નાનીને નણદલ રે બાળે બોલડે, પૂરણ લાગ્યાં પાડેશણનાં પાપ જો. ઓધવજી૦

દુઃખડાંની વેળાએ સુખડાં સાંભરે, અંત સમે તો કોય આવે કામ જો;

સગપણ તો સોનું રે પિત્તળ પ્રીતડી, વાલપણામાં વેર કરી ગ્યા શ્યામ જો. ઓધવજી૦

દયા નવ આવી રે દિલથી ઊતર્યાં, દાસીનો તો દોષ જાણ્યો કાંય જો;

પરમેશ્વર જાણીને પ્રીતે પૂજતાં, હરિજીને અમે હાથે કરતાં છાંય જો. ઓધવજી૦

ભણકારા વાગે છે ભોજન પિરસતાં, જમણ કરીને જોઈએ હરિની વાટ;

સાસુજી પૂછે રે વહુઅર સાંભળો, આનંદ કરતાં આવડે શો ઉચ્ચાટ જો. ઓધવજી૦

અવગુણને ગુણ શાં રે અબળા રાંકના, વાંક ઘણો પણ વિનતા સંગ શું વેર જો;

‘રઘુનાથ’ના સ્વામીને કહેજો એટલું, ઘણી થઈ હવે પ્રભુ પધારો ઘેર જો. ઓધવજી૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 804)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927