Odhavaji aavya re vege vrajma - Bhajan | RekhtaGujarati

ઓધવજી આવ્યા રે વેગે વ્રજમાં

Odhavaji aavya re vege vrajma

રઘુનાથદાસ રઘુનાથદાસ
ઓધવજી આવ્યા રે વેગે વ્રજમાં
રઘુનાથદાસ

ઓધવજી આવ્યા રે વેગે વ્રજમાં, મથુરાથી મોકલિયા છે એમ જો;

વાલાને વાલાં રે વ્રજ આહીરડાં, ગોપીજનનો જોવા કારણ પ્રેમ જો. ઓધવજી૦

ગોકુળની શોભા રે સુંદર શી કહું, નેહે આવ્યા નંદજીને ભવન જો;

પુરુષોત્તમ જાણીને મળિયાં પ્રેમ-સું, પ્રીત કરીને કરાવિયાં ભોજન જો. ઓધવજી૦

કુશળતા પૂછી રે વસુદેવની, કુંવરનાં સંભારી સઘળાં કામ જો;

જસોદા રૂવે ને સુખડાં સાંભરે, સહુ કો’ કહે કેમ નાવ્યા સુંદર શ્યામ જો. ઓધવજી૦

વાંસળિયો ને વલોણાં વાગે ઘણાં, ઘેર ઘેર ગાયે ગોકુળિયામાં ગીત જો;

મંગળ કીધાં રે દશ દિશા તણાં, ત્રણ લોકમાં કરે છે પુન્ય નિત્ય જો. ઓધવજી૦

આંગણિયે આવી રે સરવે ગોપિયો, રથ કંઈ છૂટ્યો દીઠો નંદને દ્વાર જો;

અધર્મી અક્રૂર ફરી આવ્યો હશે, ઘોડો ને દીસે અસ્વાર જો. ઓધવજી૦

આ૫ણા સ્વામીને તેડી ગયો, તેણે ત્યાં જઈ મરાવ્યો છે કંસ જો;

પ્રાણ લઈને પાછો કેમ આવ્યો હશે, માસીસો કરવાને લેશે માંસ જો. ઓધવજી૦

જમુનાજીમાં નાહીને એટલે આવિયા, જુવતિયે તો જાણ્યા શ્રી ભગવાન જો;

‘રઘુનાથ’ના સ્વામી સેવક ઓળખ્યા, અરસપરસ ત્યાં દીધાં ઝાઝાં. માન જો. ઓધવજી૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 803)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927