Odha jaine kahejo - Bhajan | RekhtaGujarati

ઓધા જઈને કહેજો

Odha jaine kahejo

ગેમલદાસ ગેમલદાસ
ઓધા જઈને કહેજો
ગેમલદાસ

ઓધા જઈને કહેજો, તમે ગિરિધારીને;

એમ ઓરંભા દેજો રે, તજી વ્રજનારીને.

નટવરને વિયોગે રે, ભોજન નવ ભાવે;

ઘણા વ્રેહને રોગે રે, નિદ્રા નવ આવે.

પંડે પીળી થઈ છું રે, પીડે પ્રીત તણું;

સુધ ભૂલી ગઈ છું રે, વ્રેહની દાઝી ઘણી.

નથી સુખ શરીરે રે, નથી અમે નિર્મગતા;

ત્રઠ જમનાને તીરે રે, રંગેસુ ઘણું રમતા.

ઘણું ઘૂંઘટ તાણું રે, બીહીતાં બોલુ છું;

જાણે જેઠ જેઠાણી રે, તે દરદે ડોલું છુ.

સાસુ નણદીના ડરની રે, હાંરે ઘણી માની છે;

વિઠ્ઠલવર સાથે રે, પ્રીત તો છે છાની છે.

કંથ કેડે ફરે છે રે, દીયર દુઃખ દીયે ઘણું,

દેઈ લેઈને દમે છે રે, જુઓ દુ.ખ નારી તણું.

વહેવારમાં વસવુ રે, વ્રજ તણે વાસે;

કેાઈ સાથે ના હસવુ રે, ઘડી નીચે શ્વાસે.

બોલી પેસમાં બીહીવું રે, લોક લજજા આણી;

પળ પળમાં પીવું રે, વાઘ વચ્ચે પાણી.

એહેવાં સંકટ સહીએ રે, ગિરધરને કાજે;

દુ:ખ કોને કહીએ રે, મેહેલ્યાં એમ મહારાજે.

ઓધા જઈને કહેજો રે, તમો નરના નરને;

પાણી મોરથી(૧) પીધું રે, પછે શું પૂછો ઘરને.

ઓધા જઈ કહેજે રે, છબીલાજીને છાનું;

ઠીક ઠરાવી કહેજો રે, ગિરધરને બહાનું.

દેજોને દયા કરીને રે, દર્શન દાસીને;

એમ કહેજો હરિને રે, આવ્યા શું નાશીને.

એક વાર પધારો રે, વહાલ વધારીને;

ગુણ ‘ગેમલ’ ગાયે રે, વાત સુધારીને.

સ્રોત

  • પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ભાગ ૮ (પૃષ્ઠ ક્રમાંક 744)
  • સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
  • પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
  • વર્ષ : 1913