niwritti prwritti parkhi ek - Bhajan | RekhtaGujarati

નિવૃત્તિ પ્રવૃત્તિ પરખી એક

niwritti prwritti parkhi ek

ઉગારામ ઉગારામ
નિવૃત્તિ પ્રવૃત્તિ પરખી એક
ઉગારામ

નિવૃત્તિ પ્રવૃત્તિ પરખી એક, સંકલ્પ દૂર કરો.

જીવન મુક્તિ જાણી તમો, સંતોષ વરને વરો.

આ અવલ કવલની છે સાધના, તેનું સહેજે સમરણ કરજો,

અનાદિ વચન છે ગુરુદેવનું, તેનું ધ્યાન તમે તમારી નાભિમાં ધરજો... નિવૃત્તિ૦

એ પોતાના પુન્યના પારખાં, તે ગુપ્તદાન તમે દેજો,

આમાં શાંતિ તપ સોહંમ છે, તે તમારો આત્મા ઓળખી લેજો... નિવૃત્તિ૦

એ વૃક્ષ રૂપ એક જ છે, તેમાંથી આ ડુવાદશ પ્રગટિયા ડાળા,

અનુભવથી ઓળખો તો સોહંમપદ બાવન અક્ષરથી છે બારા... નિવૃત્તિ૦

એ દમ કદમના દોરમાં, નિરભેપદને તમે નિહાળો,

દશમાં સોહંમમાં સુરતા લગાવો તો, ઝરે અખંડિત ઝારો... નિવૃત્તિ૦

એ સતગુરુજીએ વચન સુણાવ્યો, જરાય નથી જૂઠો,

સત્સંગ રૂપી પાટી કરી, વચન વતરણેથી એક જ એકડો ઘૂંટો... નિવૃત્તિ૦

આ અનુભવી સ્કૂલ(?)માં, અભય વચન સતગુરુએ સુણાવ્યા,

દાસ ‘ઉગા’ને સતગુરુ હીરસાગર મળ્યા, આ દેહીમાં દર્શાવ્યા... નિવૃત્તિ૦

સ્રોત

  • પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સર્જક : રામજી હીરસાગર
  • પ્રકાશક : રામજી હીરસાગર, તિલક પ્લોટ, શેરી નં. 2, કૃષ્ણ સિનેમા પાછળ, રાજકોટ - 360001