nedlo naa kariiye jii - Bhajan | RekhtaGujarati

નેડલો ના કરીએ જી

nedlo naa kariiye jii

તોરલ તોરલ
નેડલો ના કરીએ જી
તોરલ

તમે વિશવાસી નરને વેડ્યા માણારાજ રે !

નર નુગરા સે નેડલો ના કરીએ જી.

એ જી હંસલો ને બગલો બેઉ એક જ રંગા જી,

ઈ તો બેઠા સરોવર પાળે માણારાજ રે.

નર નુગરા સે નેડલો ના કરીએ જી.

એ જી હંસનો ચારો તો સાચાં મોતીનો જી,

ઓલ્યા બગલા ડહોળે કાદવ-ગારો માણારાજ રે.

નર નુગરા સે નેડલો ના કરીએ જી.

આજ મારા ધણી કેરો પાટ મંડાણો જી,

ઝળહળ જ્યોતું દરશાણી માણારાજ રે.

નર નુગરા સે નેડલો ના કરીએ જી.

એ જી ગુરુના પ્રતાપે 'સતી તોરલ' બોલિયા જી,

મારા સંતો અમરાપર મ્હાલે માણારાજ રે.

નર નુગરા સે નેડલો ના કરીએ જી.

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : સપ્ટેમ્બર, ૨૦૧૩ (પૃષ્ઠ ક્રમાંક 7)